યુપીમાં સપા-બસપાનું ગઠબંધન : પ્રત્યેક 38 બેઠકો પરથી લડશે

યુપીમાં સપા-બસપાનું ગઠબંધન : પ્રત્યેક 38 બેઠકો પરથી લડશે
અમેઠી-રાયબરેલી કૉંગ્રેસ માટે અને બે બેઠકો અન્ય નાના સાથી પક્ષો માટે છોડીલખનઊ, તા. 12 (પીટીઆઈ):  એક સમયે એકમેકના સાથી રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ 2પ વર્ષ બાદ, ફરી એક વાર સાથે રહી યુપીની લોકસભા ચૂંટણી લડવાનું એલાન આજે કર્યુ છે: લોકસભામાંની યુપીની 80 બેઠકો પૈકી બેઉ પક્ષો 38-38 બેઠકો લડવાનું સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના વડા માયાવતીએ આજે અહીં હોટેલ તાજ ખાતે યોજાએલી સંયુકત પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતું. આ ગઠબંધનમાં તેઓએ કોંગ્રેસને બહાર રાખ્યો છે, પરંતુ ગાંધી પરિવારનો ગઢ રહેતી આવેલી અમેઠી અને રાયબરેલીની બેઠકોએ આ પક્ષો પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. તેમ જ બાકી બે બેઠકો અન્ય પક્ષો માટે રાખી છે. સપા-બસપા યુતિને રાજકીય તકાજો ગણો કે લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા પરની મીટ માંડી હોવાનું ગણો, પરંતુ ` રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતા કે કોઈ કાયમી શત્રુ નથી હોતા' તે ઉકિત અહીં ફરી પુરવાર થઈ છે. 

સપા-બસપા કટ્ટર હરીફ પણ રહી ચૂકયા છે, પરંતુ રાજકીય ક્રાન્તિ લાવવા બે દાયકાના વૈમનસ્યને ભૂલાવી દઈ એકમેકની નિકટ આવ્યા છે. માયાવતીએ પત્રકાર પરિષદમાં બે વાર ભારપૂર્વક '9પના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો હતો. ('9પમાં લખનૌના મીરાંબાઈ ગેસ્ટહાઉસ કાંડવાળા બનાવમાં સપાના કાર્યકરોએ માયાવતીના રુમમાં તોડફોડ કરી હતી, તેમને ભાંડયા હતા, મારપીટ કરી હતી. તે વેળા ભાજપી ધારાસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદી તેમને સલામતપણે ગેસ્ટહાઉસની બહાર લઈ ગયા હતા. તે પછી બસપાએ રાજ્યમાં સરકાર રચવા ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.) ગેસ્ટહાઉસકાંડનો ઉલ્લેખ કરતા માયાવતીએ જણાવ્યુ હતું કે `દેશના હિતમાં એ બનાવોને વિસારે પાડી ગઠબંધનનો ફેંસલો કર્યો છે. લોહિયાજીના માર્ગે ચાલી રહેલી સપા સાથે માનનીય કાંશીરામ અને મુલાયમસિંહ યાદવે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આથી લખનૌના ગેસ્ટ હાઉસ કાંડ કરતા જનહિતને ઉપર રાખી ફરી એકવાર દેશમાંની દૂષિત અને સાંપ્રદાયિક રાજનીતિને હરાવવા હાથ મિલાવ્યા છે. '90ના અરસામાં ભાજપના વિષમયી માહોલના વાંકે આમ જનજીવન પ્રભાવિત હતું અને જનતા ત્રસ્ત હતી, આજે ય એવું જ માહોલ છે અને અમે ફરી એક વાર તેઓને હરાવશું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer