વાટાઘાટો ફરી નિષ્ફળ બેસ્ટની હડતાળ અઠવાડિયું પૂરું કરશે

વાટાઘાટો ફરી નિષ્ફળ બેસ્ટની હડતાળ અઠવાડિયું પૂરું કરશે
સોમવારે કોર્ટના નિર્ણય પર બેસ્ટની હડતાળના ભવિષ્યનો આધાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : બેસ્ટની હડતાળ વધુ બે દિવસ લંબાઈ ગઈ છે. આજે મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે બીઈએસટી (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) એટલે કે બેસ્ટ કર્મચારી કૃતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બેસ્ટના કર્મચારીઓની માગણી સંદર્ભે સવિસ્તર ચર્ચા થઈ હતી.
આજે સવારે 11 વાગ્યે બેસ્ટની હડતાળ સંદર્ભે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગ યોજાઈ હતી; જેમાં મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી ડી. કે. જૈન, પાલિકાના કમિશનર અજોય મેહતા, ટ્રાન્સપોર્ટ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટના સચિવ અને બેસ્ટના જનરલ મૅનેજર સુરેન્દ્રકુમાર બાગડે હાજર હતા. 7 જાન્યુઆરીની મધરાતથી બેસ્ટના 32,000 કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે અને બેસ્ટની 3200 જેટલી બસ ડેપોમાંથી બહાર ન આવી શકતાં લાખો મુંબઈગરાઓ હેરાન-પરેશાન છે. 
એ બેઠકમાં મહાપાલિકા અને બેસ્ટ પ્રશાસન તથા કર્મચારી સંઘટના બન્ને તરફની રજૂઆત ઉચ્ચ સ્તરીય સમિતિએ સાંભળી હતી. સમિતિએ કર્મચારી સંઘટના તરફથી લેખિતમાં માગણીઓ લઈ લીધી છે. એ ચર્ચા દરમિયાન થયેલી બાબતો મુખ્ય પ્રધાન સમક્ષ રજૂ કરશે. ત્યાર બાદ ઉચ્ચ સ્તરીય સમિતિ એનો અહેવાલ સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરશે. ત્યાર બાદ એ રિપોર્ટ પર કોર્ટ શું નિર્ણય આપશે એના પર બેસ્ટની હડતાળનું ભવિષ્ય નક્કી થશે.
બેસ્ટના કર્મચારીઓની હડતાળ આજે શનિવારે પાંચમા દિવસે પણ ચાલુ જ હતી. હડતાળ બાબતે ગઈ કાલે યોજાયેલી બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવાયો ન હોવાથી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય બેસ્ટ કામગાર કૃતિ સમિતિએ લીધો છે. છેલ્લા પાંચ દિવસથી બેસ્ટની એક પણ બસ રસ્તા પર ઊતરી ન હોવાથી મુંબઈગરાઓએ હાડમારી ન વેઠવી પડે એ માટે સ્કૂલ બસ સંઘટના અને મુંબઈ બસ માલિક સંઘટના લોકોની વહારે આવી છે. લગભગ 2000 જેટલી પ્રાઇવેટ બસો મુંબઈગરાઓની સેવામાં હાજર થઈ ગઈ છે. એ પ્રાઇવેટ બસમાં પ્રવાસ કરતી વખતે મુંબઈગરાઓએ 10 કિલોમીટર જેટલા પ્રવાસના 20 રૂપિયા ચૂકવવા પડે છે. જોકે એમાં દિવ્યાંગ અને જ્યેષ્ઠ નાગરિકો મફત પ્રવાસ કરી શકે છે, એવું સ્કૂલ બસ સંઘટનના માલિક અનિલ ગર્ગે કહ્યું હતું. દરમિયાન જાણવા મળ્યું છે કે પ્રાઇવેટ ડ્રાઇવર અને કંડક્ટર નીમીને બેસ્ટના સત્તાવાળાઓ બેસ્ટની બસ રસ્તા પર ઉતારવાના પ્રયત્નમાં છે.
બેસ્ટ વર્કર્સ યુનિયનના પ્રમુખ શશાંક રાવે શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકારની ઉચ્ચ સત્તાધારી સમિતિએ અમારી માગણીઓ સાંભળી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. શશાંક રાવે પત્રકારોને કહ્યું હતું કે `અમે સમિતિ સમક્ષ અમારું વલણ રજૂ કર્યું હતું. અમે ચોખ્ખું કહ્યું હતું કે અમારી માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે અમારી હડતાળ પાછી નહીં ખેંચીએ. અમે અમારી હડતાળ શાંતિપૂર્ણ રીતે ચલાવી રહ્યા છીએ.'
રાજ્યના મુખ્ય સચિવ ડી. કે. જૈને કહ્યું હતું કે `સમિતિએ યુનિયનની ફરિયાદો-માગણીઓ સાંભળી હતી. સોમવારે અમે હાઈ કોર્ટને અમારો અહેવાલ આપીશું અમે બેઠકની મિનિટ્સ કોઈને બતાવી ન શકીએ.'
દરમિયાન પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે અમે નફો કરતી પાલિકા અને ખોટ કરતી બેસ્ટના બજેટનું એકીકરણ કરવા તૈયાર નથી.
બેસ્ટના કર્મચારીઓની માગણી
  • બેસ્ટનું `ક' બજેટ મુંબઈ પાલિકાના `અ' બજેટમાં વિલીન કરવા બાબતે મંજૂર ઠરાવની તાત્કાલિક અમલબજાવણી.
  • 2007ના વર્ષથી બેસ્ટ ઉપક્રમમાં ભરતી થયેલા કર્મચારીઓના 7390 રૂપિયાથી શરૂ થનારા માસ્ટર ગ્રેડમાં પૂર્વલક્ષી પ્રભાવથી વેતન લાગુ પાડવું.
  • 2016ના એપ્રિલથી લાગુ થનારા નવા વેતનકરાર પર તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવી.
  • 2016-'17 અને 2017-'18ના વર્ષ માટે પાલિકાના કર્મચારીઓ પ્રમાણે બેસ્ટના કર્મચારીઓને બોનસ મળવો જોઈએ.
  • કર્મચારી સેવા નિવાસસ્થાનનો પ્રશ્ન ઉકેલવો.
  • જે જગ્યાએ જરૂર છે ત્યાં તાત્કાલિક ભરતી કરવી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer