જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણ

જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણ
મનીષા ગોસ્વામી સહિત બે શાર્પશૂટર્સ ઝડપાયા
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12: ભાજપના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને કચ્છ-અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના હાઇ પ્રોફાઇલ હત્યાના કેસનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસએ જોઇન્ટ ઓપરેશન દ્વારા ઉકેલી નાખ્યો છે. જોકે આખા મામલામાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટોચના સૂત્રોની જાણકારી પ્રમાણે ભાનુશાલીનું મોત નિપજાવનારા હત્યારા પુણેના સૂરજિત ભાઉ અને શેખર મારૂ ગુરુવારે જ એટીએસના સકંજામાં આવી ગયા હતા જ્યારે આ હત્યાના કાવતરામાં સંડોવાયેલી મનિષા ગોસ્વામીને શુક્રવારે કચ્છમાંથી પકડવામાં પોલીસને સફળતા મળી હતી.
બીજી બાજુ જયંતી ભાનુશાલીના પરિવારજનોને અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાખવાની ધમકીઓ મુંબઈથી મળતી હોવાથી આજે બપોરે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. પરિવારજનેએ અરજી કરી પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું. જેને ગ્રાહ્ય રાખી તેમના નિવાસસ્થાને પોલીસ પહેરો ગોઠવાયો છે. 
દરમિયાન  મનિષાનો પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  હજુ બે દિવસ પહેલાં ગજુ ગોસ્વામીને મનિષા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, જયંતી ભાનુશાલીની હત્યાથી અમને પણ તેનાથી ઘણું દુ:ખ છે. મનિષા પાંચ દિવસ પહેલાં જ કચ્છમાં અમારું કામ ચાલે છે ત્યાં ગઇ છે. તેની સાથે મારી પણ પાંચ દિવસ પહેલા જ વાત થઇ હતી. આ કેસમાં તેના નામે ફરિયાદ થતાં અમે બધા ઘણા જ ગભરાયેલા છીએ. હું હાર્ટ પેશન્ટ છું. આ સાંભળીને ઘણો જ ડિપ્રેશનમાં જતો રહ્યો છું.  મારા બાળકો પણ ઘણાં જ ગભરાયેલાં છે. મારી પત્ની પણ આ કેસમાં નામ આવતા તેણે પણ ગભરાઇને ફોન બંધ કરી દીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યા કર્યા પછી પણ મનિષા અને ભાઉ તથા શાર્પ શૂટર સિકંદરના સંપર્કમાં હતા. જેના કારણે પોલીસને તેમનું પગેરું મેળવવામાં કોઇ તકલીફ પડી ન હતી. ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સમાં તેમના લોકેશન મળી ગયા હતા. જોકે મનિષા ભાઉ અને શૂટરથી અલગ હતી અને તેણે ફોન એક દિવસ સ્વીચ ઓફ રાખ્યો હોવાથી તેને શોધવામાં વધુ એક દિવસ લાગ્યો હતો. 
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, 3જી જાન્યુઆરી, 2019ના રોજ મનિષા ગોસ્વામી, જયંતી ભાનુશાલી, સુરજિત ભાઉ અને શેખર મુંબઇથી ફ્લાઇટમાં જ આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ વિગતો ખૂલતા પોલીસે ફ્લાઇટમાં ક્યા ક્યા મુસાફરો હતા તેની યાદી મુંબઇ તથા ભુજના એરપોર્ટ પરથી માહિતી મગાવી હતી. જેના આધારે 3જી જાન્યુઆરીએ મનિષા, જયંતી ભાનુશાલી, ભાઉ અને શેખર સાથે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ જોતા તેમાં એક ઇનોવા કાર આ તમામને લેવા માટે એરપોર્ટ ઉપર આવે છે. પોલીસે ઇનોવા કારના નંબરના આધારે માલિકને શોધી કાઢ્યો હતો અને આ વ્યક્તિના નામની કેટલી કાર છે તેની જાણકારી મેળવી હતી. આ વ્યકિતએ મનિષાના કહેવાથી પોતાની કાર લઇ એરપોર્ટ ઉપર આવ્યાની કબૂલાત કરી  છે.
બીજી તરફ પોલીસની એક ટીમે ભુજ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્યાં કોઇ કડી હાથ લાગી ન હતી. પરંતુ ભુજ રેલવે સ્ટેશન ઉપરથી થયેલા ફોનની તપાસ કરતા કેટલાક શંકાસ્પદ ફોન નંબર પોલીસને હાથ લાગ્યા હતા. જેમાં ભુજ રેલવે સ્ટેશનથી ગાંધીધામ ફોન થયો હતો અને તેમાં જયંતી ભાનુશાલી ભુજથી સયાજી એક્સપ્રેસમાં બેસે છે તેની જાણકારી આપવામાં આવી હતી. પોલીસે ભુજથી ફોન કરનાર અને ગાંધીધામ ફોન રિસિવ કરનારને ઓળખી લીધા હતા જેનાથી એક વાત સ્પષ્ટ થઇ હતી કે, શૂટરો ગાંધીધામથી ટ્રેનમાં બેઠા હતા. 
પોલીસે જયંતી ભાનુશાલીના સહપ્રવાસી પવન મોર્ય અને કોચ એટેન્ડન્ટ વિનયની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, તેમણે ભાનુશાલીની હત્યા થતી જોઇ હતી પણ તેઓ ડરી ગયા હતા અને બાથરૂમમાં જઇ સંતાઈ ગયા હતા. પોલીસે શૂટરનું વર્ણન પૂછતા સ્પષ્ટ થયું હતું કે, ભુજ એરપોર્ટ ઉપર સીસીટીવીમાં નજરે પડતા સૂરજિત અને શેખર સાથે ઘણું જ મળતું વર્ણન હતું. જોકે પોલીસે ચોક્કસ પુરાવો જોઇતો હોવાથી હત્યા બાદ ચેઇન પુલિંગ થઇ હતી તે જગ્યાના સીસીટીવી ચેક કર્યા હતા પરંતુ ત્યાં કોઇ શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડી ન હતી. એક સ્થળે આછા ફૂટેજને પોલીસે પવન મોર્યને બતાવતા તેણે શૂટરને ઓળખી બતાવ્યા હતા. પવન મોર્યએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના હાથમાં એક બેગ છે તે બેગ ભાનુશાલીની માની તેઓ લઇ જાય છે, ખરેખર તે બેગ તેની એટલે કે પવન મૌર્યની છે. આમ પવન મૌર્યની બેગને કારણે પહેલી વખત શૂટર ઓળખાયા હતા. પોલીસે આ સ્થળની આસપાસથી  ભુજ ફોન થયાની જાણકારી મળી હતી. આ નંબર મનિષા ગોસ્વામીનો ખાનગી નંબર હોવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી પરંતુ શૂટર કઇ તરફ  ગયા તેની શોધ પોલીસે હાથ ધરી હતી.  પોલીસે ભુજ રિપોર્ટ ઉપર ઇનોવા કાર મોકલનાર વ્યક્તિની માલિકીનાં વાહનોના નંબર ચેક કરતા સામખિયાણી ચેક પોસ્ટ ઉપરથી પસાર થતી કારનો નંબર મેચ થયો હતો. આ કારમાં સવાર શૂટરો ભુજ તરફ ગયા હોવાનું માનીને પોલીસે તે તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું અને એક પછી એક આરોપીઓ પોલીસને હાથ લાગતા ગયા હતા. 
આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી  મુજબ ભાનુશાલી હત્યાનું કારણ તેમના મોબાઇલ ફોનમાં રહેલા અનેક મોટા માથાના કેટલાક વીડિયો જ  રહ્યા હોવાનું પોલીસ માની રહી છે. હત્યા બાદ રેલવે કોચમાં પહોંચેલી પોલીસને જયંતી ભાનુશાલીનો એક ફોન મળી આવ્યો હતો. જે ફોનમાં રહેલી તમામ વિગતો અને વીડિયો પોલીસે સંખ્યાબંધ વખત જોયા હતા, તેના ઉપરથી પોલીસે અંદાજ લગાવ્યો હતો કે, ભાનુશાલીના મોતનું કારણ આ વીડિયો જ બન્યા હશે અને હત્યારાઓ પુરાવાના નાશ માટે એક ફોન પોતાની સાથે લઇ ગયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer