કીર્તિ વ્યાસ હત્યા પ્રકરણ : ખુશી શાજવાનીને જામીન નકારાયા

કીર્તિ વ્યાસ હત્યા પ્રકરણ : ખુશી શાજવાનીને જામીન નકારાયા
મુંબઈ, તા. 12 : સલૂનમાં કામ કરતી સાથી મહિલાની હત્યાના પ્રકરણની આરોપી ખુશી શાજવાનીને મુંબઈ હાઈ કોર્ટે રાહત આપવાની ના પાડી દીધી છે. કીર્તિ વ્યાસ હત્યા પ્રકરણમાં ખુશી વિરુદ્ધ નક્કર પુરાવા હોવાથી તેની જામીન અરજી ફગાવવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ખુશીની જામીન અરજી નકારતા તેણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયમૂર્તિ પ્રકાશ નાઈક સમક્ષ થયેલી સુનાવણીમાં વિશેષ સરકારી વકીલ રાજ ઠાકરેએ આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા કોલ રેકોર્ડ અને સીસીટીવીના માધ્યમથી ખુશી પ્રત્યક્ષ રીતે હત્યામાં સહભાગી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ હાઈ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી. 
કીર્તિ વ્યાસ એક પ્રતિષ્ઠિત સલૂનમાં કામ કરતાં હતાં અને તેમણે સહકર્મચારી સિધ્ધેશને કામ પરથી કાઢી નાખ્યો હતો. તેથી રોષે ભરાયેલા સિધ્ધેશે સહકર્મચારી ખુશીની મદદથી કીર્તિની હત્યા કરીને મૃતદેહ વડાલાની ખાડીમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ આખી ઘટના મે 2018 માં બની હતી. 
બિબલ્નટ સલૂનમાં એચઆરની ફરજ બજાવતી કીર્તિએ અકાઉન્ટન્ટ સિધ્ધેશ તામ્હણકરને બરાબર કામ ન કરવા બદલ નોકરી પરથી કાઢી મૂકવાની નોટિસ આપી હતી. સિધ્ધેશને સલૂનમાં જ કામ કરતી વિવાહિત મહિલા 45 વર્ષીય ખુશી શાજવાની સાથે પ્રેમ હતો. સિધ્ધેશની નોકરી જતા બન્નેના સંબંધોનો અંત આવશે તેવું તેમને લાગ્યું હતું. એટલે ખુશી અને સિધ્ધેશે ભેગા મળીને કીર્તિ વ્યાસની હત્યાનું કાવતરું ઘડયું હતું. તેઓ જે સલૂનમાં કામ કરતાં હતાં તે અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરની ભૂતપૂર્વ પત્ની અધુનાની માલિકીનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer