બ્રાન્ડેડ અનાજ-કરિયાણા પરનો જીએસટી નાબૂદ કરવા મુંબઈ ગ્રેન ડીલર્સની કેન્દ્ર સમક્ષ માગણી

બ્રાન્ડેડ અનાજ-કરિયાણા પરનો જીએસટી નાબૂદ કરવા મુંબઈ ગ્રેન ડીલર્સની કેન્દ્ર સમક્ષ માગણી
રિટેલ વેપારીઓની સમસ્યાઓ દૂર કરવા વિવિધ સૂચનો કર્યાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : બ્રાન્ડેડ અનાજ કરિયાણાની વસ્તુઓ પરનો પાંચ ટકા જીએસટી નાબૂદ કરવા સહિતની અનેક માગણીઓ અને સૂચનો 105 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશને કેન્દ્ર સરકાર સમક્ષ કર્યાં છે.
ઍસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ આ સંબંધમાં જણાવ્યું હતું કે બ્રાન્ડેડ અનાજ કરિયાણાના ભાવ મધ્યમ વર્ગના વપરાશકારોને પરવડે અને તેમને પણ સારી કવોલિટીની વિવિધ વેરાયટીઓ મળી રહે એ માટે જીએસટી નાબૂદ કરવો આવશ્યક છે.
કેન્દ્રના આગામી બજેટ અને જીએસટી બાબત અનાજ કરિયાણાના રિટેલ દુકાનદારોની શું અપેક્ષા છે તેમ જ તેમને વ્યવસાયમાં શું તકલીફો પડે છે એ જાણવા કેન્દ્રના નાણાં મંત્રાલયના અધિકારીઓ તાજેતરમાં મને ઍસોસિયેશનના પ્રમુખની રૂએ મળ્યા હતા. તેમની સમક્ષ રિટેલરો વતી કેટલાંક સૂચનો કર્યાં હતાં. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાપ્રધાન અરુણ જેટલી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારને મોકલવામાં આવ્યા છે.
રમણીકભાઈએ જણાવ્યું હતું કે ઍસોસિયેશન વતી અમે સરકાર સમક્ષ 12 સૂચન કર્યાં છે જે આ પ્રમાણે છે :
બે કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા રિટેલ દુકાનદારોને જીએસટી અંતર્ગત એચએસએન મેળવવામાંથી બાકાત રાખવા જોઈએ.
અનાજ-કરિયાણા પર જીએસટી નથી. અમારી સંસ્થા બ્રાન્ડેડ અનાજ-કરિયાણા પરથી પણ જીએસટી નાબૂદ કરવાનું સૂચન કરે છે. તેમ કરવાથી, બ્રાન્ડેડ અનાજ-કરિયાણાના ભાવ પણ સામાન્ય મધ્યમવર્ગીય જનતાને પરવડી શકશે અને તેઓ સારી કવોલિટી અને વિવિધ વેરાયટીના અનાજ-કરિયાણાનો ઉપભોગ કરી શકશે.
કોમ્પોઝિશન સ્કિમ માટે રિટેલ દુકાનદારોની ટર્નઓવરની લિમિટ રૂા. 1 કરોડથી વધારી રૂા. 2 કરોડ કરવી જોઈએ.
કોમ્પોઝિશન સ્કિમ અંતર્ગત આવતાં રિટેલ દુકાનદારો માટે વર્ષમાં એક જ વખત ટૅક્સ ભરવાની અને રિટર્ન ફાઈલ કરવાની જોગવાઈ કરવી જોઈએ.
50 લાખ સુધીનો ટર્નઓવર ધરાવતા રિટેલ દુકાનદારોને જીએસટીમાંથી બાકાત રાખવા જોઈએ.
અમારી સંસ્થા અનાજ-કરિયાણાના વાર્ષિક રૂા. બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા રિટેલ વેપારીઓ પર 0.25%નો જીએસટીનું સૂચન કરે છે. તેને કારણે અનાજ-કરિયાણાના ભાવ વધશે નહીં, તેમ જ નાના રિટેલ વેપારીઓને જીએસટીના રિટર્ન ભરવાની અને ચોપડાઓ મેઇન્ટેઈન કરવાની પળોજણમાંથી મુક્તિ મળશે.
ડ્રાયફ્રૂટ પર જીએસટી 5 % કરવાનું સૂચન કરે છે. તેમ કરવાથી, સામાન્ય મધ્યમવર્ગીય જનતા પણ તંદુરસ્તી માટે ડ્રાયફ્રૂટનો ઉપભોગ કરી શકશે.
હાલમાં રિટેલ દુકાનદારોને જુદા-જુદા 10થી 15 લાઇસન્સો કઢાવવા પડે છે. વેપારીઓને વેપાર કરવામાં સહેલાઈ પડે અને લાઇસન્સરાજ નાબૂદ થાય તે માટે માત્ર એક જ લાઇસન્સ હોવું જોઈએ. આમ કરવાથી વેપાર વધશે. સરકારની પણ આવક વધશે અને દેશનો જીડીપી રેટ સુધરશે.
હોલસેલ વેપારીઓ, રિટેલ દુકાનદારોને માલ વેચતી વખતે એપીએમસી વસૂલ કરે જ છે. તેથી હોલસેલ બજારમાં એક વેપારી પાસેથી બીજા વેપારીને માલ વેચતા સમયે એપીએમસી નાબૂદ કરવી જોઈએ.
નાના દુકાનદારોને બૅન્કમાંથી લોન મેળવવા માટે ખૂબ જ તકલીફ પડે છે. તેમને પણ ખેડૂતોની જેમ ઓછા વ્યાજદરે લોન પ્રાપ્ત થવી જોઈએ.
વોલમાર્ટ અને અન્ય મલ્ટિનેશનલ કંપનીઓને ભારત દેશમાં વેપાર કરવાની પરવાનગી ન આપવી જોઈએ. 
ભારતમાં આશરે 80 % જેટલા રિટેલ દુકાનદારોની રોજીરોટી વોલ માર્ટના આવવાથી છિનવાઈ જશે. રિટેલ દુકાનદારો મોટાભાગે અશિક્ષિત કે અર્ધશિક્ષિત હોવાથી, ધંધો છિનવાઈ ગયા બાદ નોકરી કરવાને લાયક પણ નહીં રહે અને આમ બેરોજગારી વધશે. આર્થિક હાલાકીને કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ વધશે.
રિટેલ દુકાનદારોને લગતા કોઈ પણ નીતિ-નિયમો બનાવતી કમિટીમાં રિટેલ દુકાનદારોની સંસ્થાના બે પ્રતિનિધિઓનો સમાવેશ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ઍસોસિયેશનના મુંબઈમાં 3000 સભ્યો છે અને તેની સ્થાપના છેક 1913માં કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer