સુરતના યુવકે બનાવી રફાલ કંકોતરી : વડા પ્રધાન મોદી માટે માગ્યો મત

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 12 : શહેરનાં એક યુવકે રફાલ ડીલને આવરી લેતાં પોતાનાં લગ્નનું કાર્ડ બનાવતાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી છે. યુવકે આ ડીલની થીમ સાથેનાં લખાણમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને વોટ આપી વિજયી બનાવવાની અપીલ કરી છે. 
શહેરનો યુવક યુવરાજ વ્યવસાયે ઇજનેર છે. ઉપરાંત આઈઆઈટીનાં કોચિંગ કલાસ ચલાવે છે અને દર વર્ષે 10 જેટલાં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. યુવરાજનાં લગ્ન આગામી 22મી જાન્યુઆરીએ યોજાઈ રહ્યા છે. એવામાં યુવકે કન્યા સાક્ષી સાથેનાં લગ્નનું કાર્ડ રફાલ ડીલની થીમ પર બનાવ્યું છે. કાર્ડમાં આ ડીલ સાથેની કેટલીક જાણી-અજાણી વાતો કરી છે. સરકારની કાર્યશૈલી સામે પ્રશ્નાર્થ નહિ કરવાની અપીલ પણ કરાઈ છે. કાર્ડમાં મહેમાનોને ભેટમાં કશુ નહિ લાવવાની સૂચના પણ લખવામાં આવી છે. 
યુવરાજ અને તેમની ભાવિ પત્ની સાક્ષીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીની સરકારે દેશનાં ભવિષ્ય માટે જે નિર્ણય લીધા છે તેનાં પર ભરોસો રાખવો જોઈએ. વડા પ્રધાન મોદી સારા નેતા છે. યુવાઓએ તેમને આગામી લોકસભાની ચૂંટણી વિજયી બનાવી તેમને વધુ એક તક આપવી જોઈએ. 
નોંધવું કે, થોડા દિવસો અગાઉ પણ સુરતમાં એક યુવકે લગ્નકંકોતરીમાં વડા પ્રધાન મોદી માટે વોટ માગતું લખાણ ટપકાવ્યું હતું. જેની ચર્ચા શહેરભરમાં ચાલી હતી. હવે, વધુ એક કંકોત્રીમાં વડા પ્રધાન મોદીને વિજયી બનાવવા વોટ આપવાની ભલામણ કરાઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer