કૉંગ્રેસ એકલા હાથે મોદીને સત્તામાંથી હઠાવી નહીં શકે : ઍન્ટની

તિરુવનંતપુરમ, તા. 12: લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ સામે એકલા હાથે ટકકર લેવા જેટલો પક્ષ હજી મજબૂત નથી થયો એવી પ્રતીતિ કોંગ્રેસને થઈ ચૂકી છે એમ પક્ષના સીનિયર નેતા એકે એન્ટનીએ અહીં કાર્યકરો સમક્ષના સંબોધનમાં સોઈઝાટકીને કહ્યુ હતું.
કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિની સામાન્ય સભાને ગઈ કાલે સંબોધતાં તેમણે જણાવ્યુ હતું કે માત્ર કોંગ્રેસ નરેન્દ્ર મોદીને સત્તામાંથી દૂર નહીં કરી શકે, પરંતુ મોદીને પદભ્રષ્ટ કરવાની ઝુંબેશનું નેતૃત્વ લેવા જેવુ મહત્વપૂર્ણ પરિબળ તો તે હજી ધરાવે જ છે. તેથી ભાજપને હરાવવા કોંગ્રેસ વ્યાપક જોડાણ રચવાની તલાશમાં છે.
મોદી સામે બાથ ભીડવા રાહુલ ગાંધી મજબૂત નેતારૂપે ઘડાઈ ગયા છે અને હવે હિંમતભર્યો જંગ લડવા સક્ષમ બની ચૂકયા છે એથી સ્તો મોદી રાહુલથી ડરે છે એમ એન્ટનીએ જણાવ્યુ હતું. આગામી લોકસભા ચૂંટણીને કુરુક્ષેત્ર સમો જંગ ગણાવતાં તેમણે કહ્યુ હતું કે કોમી પરિબળોએ સત્તા પરથી ઉથલાવી દેશને બચાવવો જ રહ્યો.
છેક છેલ્લી ઘડીએ ઉમેદવાર પસંદ કરવાની રસમનો અંત લાવવા રાજ્ય કોંગ્રેસ નેતાઓને અનુરોધ કરતા તેમણે કહ્યુ હતું કે નિર્ણય જિલ્લા સમિતિમાંથી આવવો જોઈએ જૂજ નેતાઓ નિર્ણય લે તેને બદલે લોકતાંત્રિક ઢબે પસંદગી થવી જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer