રાજકોટમાંથી બોગસ સિમકાર્ડ વેચવાનું કૌભાંડ પકડાયું

સગીર સહિત ત્રણ શખસો ઝડપાયા

રાજકોટ, તા.12 : કોઠારિયા રોડ પરના નંદા હોલ પાસે જુદી-જુદી જગ્યાએ છત્રી રાખીને અલગ-અલગ મોબાઈલ કંપનીના સીમકાર્ડ વેચાતા હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસે દરોડો પાડયો હતો અને કોઠારિયા સોલવન્ટમાં રહેતા જીત ઉર્ફે કાનો મહેશ કક્કડ, દીપક કૈલાસ પાટીલ અને એક સગીરને ઝડપી લીધા હતા અને 98પ સીમકાર્ડ, અંગુઠાની છાપ લેવાના ત્રણ મશીનો અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં કોઠારિયા સોલવન્ટનો જીત ઉર્ફે કાનો કક્કડ, દીપક પાટીલ અને એક સગીર કોઈપણ જાતના આધાર પુરાવા મેળવ્યા વગર જ ગ્રાહકોને રૂ.500 થી 600 માં બોગસ સીમકાર્ડ વેચતા હતા. ત્રણેય શખસો ગ્રાહક સીમકાર્ડ ખરીદવા આવે ત્યારે તેનું એક કાર્ડ એક્ટિવ કરવા માટે ગ્રાહકના અંગુઠાની પ્રિન્ટ મશીનમાં લેતા હતા અને એક વખત ઓકે થઈ ગયા છતાં આ શખસો બરાબર પ્રિન્ટ નથી આવી તેમ કહી ત્રણથી ચાર વખત અંગુઠાની પ્રિન્ટ લઈ લેતા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer