ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ પુરજોશમાં

પોલીસને આપવામાં આવી ખાસ તાલીમ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12: રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના ડેલિગેટ્સ, ઉદ્યોગપતિઓ અને વીવીઆઇપીઓ મોટી સંખ્યામાં ભાગ લેનાર છે ત્યારે આ ડેલિગેટ્સ સાથે પોલીસે કેવું વર્તન કરવું તેને લઇને એક સેમિનાર યોજાયો હતો જેમાં રાજ્યભરના એક હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 
કો-ઓર્ડિનેટર વાલેરાએ જણાવ્યું હતું કે, 1500 પોલીસ કર્મચારીઓએ 3 જેટલા સેશનમાં તાલીમ લીધી હતી. આ તાલીમ માટે ત્રણ નિષ્ણાતોને બોલાવ્યા હતા. આ નિષ્ણાતોએ ડેલિગેટ્સ જ્યારે આવે ત્યારે કેવો એટીટયૂડ હોવો જોઇએ, બોડી લેગ્વેંજ કેવી હોવી જોઇએ, વાતચીત કેવી રીતે કરવી, લગેજની ચકાસણી કેવી રીતે કરવી, તેની ખાસ તાલીમ આપી હતી. પોલીસ કર્મચારીઓએ ખૂબ રસપૂર્વક આ સેમિનારમાં ભાગ લીધો હતો. 
દરમિયાન મહાત્મા મંદિરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થાને લઇને માઇક્રો પ્લાનિગ કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા હોવાથી તેના એક દિવસ અગાઉ 16 જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર  સુધીનો રોડ -રસ્તા પર  વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવશે. એટલું જ નહીં 600થી વધુ સીસીટીવી કેમેરા લગાવી વીવીઆઇપીની અવરજવર ઉપર રાઉન્ડ ધ ક્લોક મોનેટરિંગ કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટ સ્થળ મહાત્મા મંદિરની આસપાસ ડ્રોન દ્વારા ટ્રેકિંગ કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer