ગ્રાહક સુરક્ષા : આઠ વર્ષ બાદ મધ્ય રેલવેના કર્મચારીને બોરીવલીમાં ખરીદેલો ફ્લૅટ મળશે

મુંબઈ, તા.12 : થાણેના મધ્ય રેલવેના કર્મચારી જિજ્ઞેશ મિસ્ત્રી અને તેમના પત્ની રૂપલે વર્ષ 2010માં બોરીવલી (પૂર્વ)માં ખરીદેલો ફ્લેટ આઠમી માર્ચ સુધીમાં આ મિસ્ત્રી યુગલને સોંપી દેવાનો આદેશ રાજ્યના ગ્રાહક સુરક્ષા પંચે ડેવલપરને આપ્યો છે. ડેવલપરે મિસ્ત્રીને ફેબ્રુઆરી 2013 સુધીમાં ફ્લેટનો કબજો આપવાનું વચન આપ્યું હતું જેનું આજ સુધીમાં પાલન નથી કરાયું. બોરીવલીના ડેવલપરને આ મિસ્ત્રી દંપતીને માનસિક યાતના બદલ ત્રણ લાખ રૂપિયા તેમ જ અરજી સહિતના કાનૂની ખર્ચ માટે પચીસ હજાર રૂપિયા ચૂકવવાનો પણ પંચે હુકમ કર્યો છે.
રૂપલ અને જિજ્ઞેશ મિસ્ત્રીએ વર્ષ 2010માં 26.28 લાખ રૂપિયામાં 396 ચોરસ ફૂટનો આ ફ્લેટ ખરીદ્યો હતો. કરાર પ્રમાણે તેમને વર્ષ 2013 સુધીમાં ફ્લેટ ન મળતા આ યુગલે વર્ષ 2014માં ગ્રાહક સુરક્ષા પંચના દરવાજા ખખડાવ્યા હતા. ડેવલપર તરફથી દલીલ કરવામાં આવી હતી કે મિસ્ત્રી રેલવેના કર્મચારી હોવાથી રેલવે ક્વાર્ટરમાં રહે છે અને આ ફ્લેટ તેમણે રોકાણના હેતુસર ખરીદ્યો હતો, તેથી મિસ્ત્રી ગ્રાહકની વ્યાખ્યામાં ન આવે અને આવા મામલાની સુનાવણી પંચના કાર્યક્ષેત્રમાં નથી. 
જોકે, પંચે આવી દલીલોને ફગાવી દેતા કહ્યું હતું કે ફરિયાદીએ બીલ્ડરની સર્વિસ લીધી હોવાથી કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ, 1986 અંતર્ગત તેઓ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે.
ડેવલપર તરફથી રેતી અને કાચી સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી બિલ્ડિંગના બાંધકામમાં વિલંબ સહિતની દલીલો કરી હતી પરંતુ પંચે તેમની તમામ દલીલો ફગાવીને આઠમી માર્ચ સુધીમાં આ યુગલને ફ્લેટની સોંપણી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer