આરટીઓની 43 પ્રાદેશિક કચેરીઓ માટે 500 ટેબની ખરીદી

લર્નિંગ લાઇસન્સ માટેની ચકાસણી હવે ટેબ દ્વારા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા આપવામાં આવતા પરવાનાની ચકાસણીનું કામ હવે વધુ પારદર્શકતા અને ઝડપથી થશે.
મહારાષ્ટ્ર સરકારની પ્રકલ્પ અમલ સમિતિએ આ પ્રસ્તાવને ત્રણ માસ પહેલાં જ પરવાનગી આપી હતી. લાઇસન્સ આપવાનું કામ ટૂંક સમયમાં જ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવશે. તેના માટે 500 ટેબ્લેટ ખરીદવામાં આવશે.
મહારાષ્ટ્રના બધા 11 ટ્રાન્સપોર્ટ કાર્યાલયોને ટેબ પૂરા પાડવામાં આવશે. અરજદારોની ડ્રાઈવિંગ ક્ષમતાની ચકાસણી તેના દ્વારા કરવામાં આવશે.
મોટર વાહન ખાતાના પરિવહન અને ઉપ પ્રાદેશિક કાર્યાલયમાં શિબિર યોજીને કાચા અને પાકા લાઇસન્સ આપવામાં આવે છે. શિખાઉ લાઇસન્સ આપવા માટેની ચકાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. તેમાં ઘણીવાર માત્ર ઔપચારિકતા પૂરી પાડવામાં આવે છે. તેના માટે સંબંધિત ઇન્સ્પેકટર અરજદાર વાહનચાલક અને તેમનો એજન્ટ અર્થપૂર્ણ ચર્ચા કરીને પ્રમાણપત્ર આપે છે. સંક્ષિપ્તમાં નાણાં ખર્ચવાથી આ લાઇસન્સ મળી શકે છે. લગભગ બધા જ કાર્યાલયમાં આ પ્રવૃત્તિ ચાલે છે. આ અયોગ્ય પ્રવૃતિ બંધ થાય અને લાઇસન્સની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બને એ માટે પરિવહન આયુક્ત દ્વારા આ તપાસ કે ચકાસણી કમ્પ્યુટર મારફતે કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. તેના માટે પ્રત્યેક કાર્યાલયમાં ટેબ આપવાની વિનંતી કરવામાં આવી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં પ્રકલ્પ અમલમાં મૂકનારી સમિતિએ આ પ્રકલ્પને લીલીઝંડી દેખાડી હતી. તે અનુસાર 500માંથી 485 ટેબ કાર્યાલયને આપવામાં આવશે. શેષ 15 ટેબ અનામત રાખવામાં આવશે. તેની ખરીદી માટે ટૂંક સમયમાં ટેન્ડર મગાવવામાં આવશે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer