યુપીના હિત માટે નહીં, પરંતુ ટકી રહેવા માટે ગઠબંધન કર્યું છે : રવિશંકર પ્રસાદ

લખનૌ, તા. 12:  માયાવતીએ જણાવ્યું હતું કે નવા વર્ષ '19માં એક પ્રકારની નવી રાજનીતિક ક્રાંતિની શરૂઆત છે, ગઠબંધનથી સમાજમાં મોટી ઉમ્મીદ જાગી છે. આ માત્ર બે પક્ષોનો જ નહીં સર્વસમાજનો મેળ છે. સામાજિક પરિવર્તન અને મિશનરી લક્ષ્ય પ્રાપ્ત કરવાનું આંદોલન બની શકે છે એમ જણાવી માયાવતીએ ઉમેર્યુ હતું કે યહ લંબા ચલેગા, આગે ભી ચલાયેંગે. લોકસભા ચુનાવ કે બાદ યુપી એસેમ્બ્લીમેં ભી યહ સાથહી ચલેગા. 93માં અમે સાથે મળી ભાજપને હરાવ્યો હતો, આ વખતે ય હરાવશું. દરમિયાન પીએમ પદનો દાવેદાર કોણ રહેશે એવા સવાલને ચતુરાઈપૂર્વક ટાળતાં અખિલેશે જણાવ્યુ હતું કે યુપી લગભગ હમેશાં વડા પ્રધાન આપતું આવ્યુ છે. 
કોંગ્રેસને ગઠબંધનની બહાર રાખવાના કારણ વિશે જણાવતાં તેમણે કહ્યુ હતું કે આઝાદી પછી ખાસા લાંબા સુધી કેન્દ્ર અને મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસે એકચક્રી રાજ કર્યુ, પરંતુ જનતા પરેશાન રહી છે. ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધ્યો, જેની સામે અનેક દળોનું ગઠન થયું. એ સ્થિતિમાં કેન્દ્રમાં સત્તા કોંગ્રેસના હાથમાં આવે કે ભાજપના હાથમાં, વાત તો એક જ છે. બેઉની નીતિઓ એક સરખી રહી છે. બેઉની સરકારોમાં સંરક્ષણ સોદાઓમાં ગોટાળા થયા. બોફર્સના કારણે કોંગ્રેસે સરકાર ગુમાવી, રાફેલના કારણે ભાજપએ સરકાર ગુમાવવી પડશે. કોંગ્રેસ અને ભાજપ બેઉની સરકાર વિરોધીઓનું ઉત્પીડન કરતી આવી છે એમ જણાવી માયાવતીએ ઉમેર્યુ હતું કે ભૂતકાળમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનનો અનુભવ સારો નથી રહ્યો, તે પક્ષ પોતાના મત ટ્રાન્સફર નથી કરાવી શકયો.  
પત્રકાર પરિષદમાં સપાના વડા અખિલેશે જણાવ્યું હતું કે આ ગઠબંધનથી ભાજપ ગભરાઈ ગયો છે અને જાતજાતની સાજીશ રચી શકે છે, દંગાફસાદ પણ કરી શકે છે પરંતુ આપણે સંયમ સાથે એ સાજીશ નાકામિયાબ બનાવવાની છે એવી અપીલ તેમણે કાર્યકરોને અનુલક્ષી કરી હતી. આ તકે અખિલેશે સપાના કાર્યકરોને એવી ય અપીલ કરી હતી કે મારા જેટલુ જ સમ્માન માયાવતીનું ય જાળવજો. તેમનું અપમાન એ મારું અપમાન કર્યા બરાબર રહેશે. 
ભાજપની પ્રતિક્રિયા: બે પૂર્વ હરીફ પક્ષો ટકી રહેવા માટે એકબીજાની નજીક આવ્યા છે, દેશ કે યુપીના હિત સારુ નહીં એમ જણાવી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ઉમેર્યુ હતું કે તેઓ જાણે છે કે તેઓ એકલા હાથે પીએમ મોદી સામે લડી શકે તેમ નથી અને તેમની (મોદીની) સામેનો વિરોધ તેઓના જોડાણનો એકમાત્ર આધાર છે.
રાષ્ટ્રીય લોકદળ: સપા-બસપાનુ ગઠબંધન થઈ જતાં આરએલડી તેમાં સામેલ થવાની ગુંજાયેશ ન હોઈ તે કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે એમ સૂત્રો જણાવે છે. તે ગઠબંધનનો હિસ્સો બનવા માગતો હતો, સપા પણ ઈચ્છતો હતો, પરંતુ બેઠકોના મુદ્દે મામલો ખોરંભે ચડી ગયો.
અમરસિંહ : માયા-અખિલેશની દોસ્તીમાં મુલાયમસિંહ યાદવ ગુમ થઈ ગયા એવી ટકોર કરતા, સપાના રાજદાર અમરસિંહે કહ્યુ હતું કે ગઠબંધન બુઆ-બબુઆ વચ્ચેનું છે, આ પગલું લેવામાં મુલાયમસિંહને દૂર રખાયા પણ સમાજવાદી પાર્ટીના સ્થાપક હંમેશા તેઓ જ રહેશે.
ભારતીય સમાજ પાર્ટી: પક્ષપ્રમુખ અને યુપીના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભારે જણાવ્યુ હતું કે આ ગઠબંધનથી એનડીએને કોઈ ફરક પડવાનો નથી, મારો પક્ષ ભાજપની સાથે છે, ભાજપ ઈચ્છે કે અમારો પક્ષ તેમની  સાથે જોડાયેલો રહે તો અમે તેમની સાથે જોડાયેલા રહેશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer