વિજય માલ્યા ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત

વિજય માલ્યા ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મુંબઈની સ્પેશિયલ કોર્ટે શનિવારે લિકર ઉદ્યોગના બાદશાહ વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની વિનંતીને પગલે કોર્ટે માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો હતો.
ગયા અૉગસ્ટમાં અમલમાં આવેલા ફ્યુજીટીવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈ હેઠળ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર થનાર વિજય માલ્યા પ્રથમ આરોપી છે.
વિજય માલ્યાએ પોતાને ભાગેડુ જાહેર કરવાની ઈડીની અરજીની સુનાવણી અટકાવી દેવાની કોર્ટને ગયા મહિને વિનંતી કરી હતી. નવા કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટસ પાસે કોઈ વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરવાની સત્તા છે. કોર્ટ આવી વ્યક્તિની પ્રોપર્ટી અને અસ્કયામતો જપ્ત કરવાનો આદેશ આપી શકે છે. જે વ્યક્તિએ કાયદામાં નમૂદ ગુના કર્યા હોય અને ક્રિમિનલ ખટલાથી બચવા વિદેશ ભાગી ગઈ હોય અને પાછા ફરવાનો ઇનકાર કરતી હોય તેવી વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરી શકાય છે.
સ્પેશિયલ કોર્ટમાં જજે કહ્યું હતું કે ઈડીની અરજીનો આંશિક રીતે હું સ્વીકાર કરું છું. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરતા જજે કહ્યું હતું કે તેની સંપત્તિ જપ્ત કરવાનો ચુકાદો હવે પછી આપવામાં આવશે.
સંપત્તિ જપ્ત કરવાના વિશેની સુનાવણી પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે.
આ જ કોર્ટ ડાયમન્ડ મર્ચન્ટ્સ નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાની સુનાવણી કરી રહી છે.
ચુકાદા બાદ માલ્યાના વકીલે ચાર અઠવાડિયાનો સ્ટે અૉર્ડર માગ્યો હતો, પણ જજે એ આપવાની ના પાડતા કહ્યું હતું કે આ નવા કાયદા હેઠળ જજ પોતાના જ અૉર્ડર સામે સ્ટે આપી ન શકે.
વિજય માલ્યા અત્યારે લંડનમાં છે અને ત્યાંની કોર્ટમાં હવાલાના કેસ તેની સામે ચાલુ છે. એ ઉપરાંત દેશમાં તેને પાછો લઈ આવવાનો એકસ્ટ્રાડિશનનો કેસ પણ ચાલી રહ્યો છે. ઈડી અને સીબીઆઈએ નવ હજાર કરોડ રૂપિયાની લોનની ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા વિજય માલ્યા સામે અનેક કેસ ફાઇલ કર્યા છે.
10 ડિસેમ્બરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે વિજય માલ્યાને પાછા ભારત મોકલવાનો આદેશ આપ્યો હતો. માલ્યા 2016માં દેશમાંથી છૂ થઈ ગયો હતો અને તેને ભારત પાછો લઈ આવવા સરકારે લંડનની કોર્ટમાં કેસ કર્યો હતો. તેને ભારત પાછો મોકલવાની બાબત અત્યારે બ્રિટનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે.
ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 27 આર્થિક ગુનેગારો વિદેશ ભાગી ગયા છે. આમાંથી 20 ગુનેગારો સામે રેડ કૉર્નર નોટિસ કાઢવા ઇન્ટરપોલનો સંપર્ક કરાયો છે. 27માંથી સાતને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડીએ કોર્ટને અપીલ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer