ચોકીદારની પાછળ પડી છે `ચોરોની જમાત'' : મોદી

ચોકીદારની પાછળ પડી છે `ચોરોની જમાત'' : મોદી
ઓડિશાના બારિપદા અને ઝારખંડના પલામુમાં વડા પ્રધાનની જનસભા : કૉંગ્રેસ ઉપર કર્યા શાબ્દિક પ્રહાર

ભુવનેશ્વર, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીને લઈને આક્રમક તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રેલીઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આજે મોદીએ બે રાજ્યોમાં રેલી યોજી હતી. જેમાં ઓરિસ્સાના બારિપદામાં રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ અને સ્થાનિક પટનાયક સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું હતું કે, યુપીએ સરકારના શાસનમાં વચેટિયાઓની પહોંચ પીએમઓની ફાઈલો સુધી હતી.  એના જ કારણે સમજાતું નથી કે કોંગ્રેસે સરકાર ચલાવી છે કે પોતાના મિશેલ મામાનો દરબાર ચલાવ્યો છે. પીએમએ કહ્યું હતું કે, અત્યારે ચોરોની જમાત ચોકીદારને રસ્તામાંથી હટાવવાના પ્રયાસમાં લાગી છે. 
કોંગ્રેસ ઉપર સેનાને નબળી પાડવાના પ્રયાસનો આરોપ મુકતા મોદીએ કહ્યું હતું કે, 2004થી 2014 વચ્ચે દેશની સેના સામે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હવે આ ષડયંત્રને દેશ સમજી રહ્યું છે. ભાજપની સરકારમાં સેના હવે મજબુત બની રહી છે. જેના કારણે કોંગ્રેસને ભાજપની સરકાર કાંટાની જેમ ખટકી રહી છે તેમજ ચોરની ટોળકી ચોકીદારને રસ્તામાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.  જો કે જ્યાં સુધી ચોકીદાર છે ત્યાં સુધી ચોરના ષડયંત્રો પુરા થઈ શકશે નહી. 
ક્રિશ્ચિયન મિશેલને કોંગ્રેસનો રાઝદાર ગણાવતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસને સત્ય એટલે ખટકી રહ્યું છે કારણ કે તેના રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. મિશેલને કોંગ્રેસના નેતાઓ સાથે ઉંડા સંબંધ હતા તેવો એક રિપોર્ટમાં ખુલાસો પણ થયો છે. જેટલી જાણકારી મિશેલ પાસે હતી તેટલી તત્કાલિન વડાપ્રધાનને પણ જાણ રહેતી નહોતી. મોદીએ કહ્યું હતું કે, વચેટિયાઓના હિતની રક્ષા કરવામાં જેટલા લોકોની ભૂમિકા રહી છે ઝારખંડના પલામુમાં સભા યોજતા મોદીએ ફરી એક વખત કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ માટે ખેડૂતો વોટબેન્ક છે પણ અમારા માટે અન્નદાતા છે. આ જ કારણથી ખેડૂતોની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોનમાફીથી ખેડૂતોની લાંબી સમસ્યાનો ઉકેલ નહી થાય તેમ પણ મોદીએ ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer