કૌરવ ટેસ્ટ ટયૂબ બેબી હતા : આંધ્ર યુનિ.ના કુલપતિનો દાવો

ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસમાં નાગેશ્વર રાવે કરેલા દાવાથી વિવાદ

જાલંધર, તા. 5 : આંધ્રપ્રદેશ યુનિવર્સિટીના કુલપતિ જી નાગેશ્વર રાવ પોતાના એક નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રસમાં રાવે દાવો કર્યો હતો કે મહાભારતના કૌરવોનો જન્મ સ્ટેમ સેલ અને ટેસ્ટ  ટયુબની ટેક્નીક દ્વારા થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે હજારો વર્ષ પહેલા જ ટેસ્ટ ટયુબ અને સ્ટેમ સેલ પદ્ધતિને વિકસીત કરી હતી. એક પ્રેઝન્ટેશન દરમિયાન રાવે કહ્યું હતું કે, ભગવાન રામે એવા શસ્ત્રો અને અસ્ત્રોનો ઉપયોગો કર્યો હતો જે લક્ષ્યનો પીછો કરતા હતા અને તેને ભેદીને પરત આવતા હતા. 
કુલપતિ નાગેશ્વર રાવના કહેવા પ્રમાણે મહાભારત અને રામાયણની જાણવા મળે છે કે મિસાઈલનું વિજ્ઞાન ભારત માટે નવું નથી પણ હજારો વર્ષો પહેલા પણ ભારતમાં હતું.  વીસી રાવના કહેવા પ્રમાણે રાવણ પાસે માત્ર પુષ્પક વિમાન નહોતું પણ આવા 24 જેટલા વિમાન હતા જેનો આકાર અલગ અલગ હતો અને તેની ક્ષમતા પણ વિભિન્ન હતી.  આ ઉપરાંત રાવણે શ્રીલંકામાં પોતાના વિમાન માટે એરપોર્ટ પણ બનાવ્યા હતા. આ ઉપરાંત ગાંધારીએ 100 બાળકોને જન્મ આપ્યો તેના ઉપર ઘણા લોકોને વિશ્વાસ નથી આવતો. પરંતુ આ 100 બાળકો ટેસ્ટ ટયુબ બેબી હોવાનું માનવામાં આવે છે. આ તમામ બાબતોથી માનવામાં આવે છે કે ભારતમાં હજારો વર્ષ પહેલા પણ વિજ્ઞાન ખૂબ જ વિકસીત હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer