જીએસટી હેઠળ ટૅકસ ભરનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો

હવે વ્યાપક તપાસ હાથ ધરાશે

કોમ્પોઝિશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : લોકસભામાં નાણાં ખાતાના રાજ્યપ્રધાને વિગત આપી
નવી દિલ્હી, તા.5: ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે.
જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. 
કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે.
નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે. જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે.
જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer