બૅન્ક કર્મચારીઓની મંગળ અને બુધવારે દેશવ્યાપી હડતાળ

10 કેન્દ્રીય કામદાર સંઘોએ કરેલી હાકલ
 
મુંબઈ, તા. 5 : સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના અંદાજે 14 કરોડ કામદારો અને કર્મચારીઓ 8 અને 9 જાન્યુઆરીના હડતાળ પાડશે. હડતાળની આ હાકલ શાસક પક્ષના ભારતીય મજદૂર સંઘ સિવાયના 10 કેન્દ્રીય કામદાર સંઘોએ કરી છે. સરકારી, અર્ધ સરકારી, જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોના કામદારો અને કર્મચારીઓ આ હડતાળમાં સામેલ થશે. સ્ટીલ, ઓઈલ, માઈન્સ, ડોક ઍન્ડ પોર્ટ, ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિસિટી, બૅન્કો અને વીમા ક્ષેત્રના કર્મચારીઓ આ હડતાળમાં સામેલ થવાના છે. બૅન્કિંગ ક્ષેત્રના એઆઈબીઈએ અને બીઈએફઆઈ જેવા બે મુખ્ય કામદાર સંઘો પણ આ હડતાળમાં જોડાઈ રહ્યા છે.
સરકારની લોકવિરોધી આર્થિક નીતિ અને સૂચિત શ્રમ સુધારણાના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. સરકાર જાહેર ક્ષેત્રનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરીને તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે.
જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની વિદેશી બૅન્કોમાંથી આ બે યુનિયનોના સભ્યો તેમ જ પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો અને સહકારી બૅન્કો પણ આ હડતાળમાં જોડાશે.
બૅન્ક કર્મચારીઓ કૉન્ટ્રેકટ પદ્ધતિ, આઉટસોર્સિંગ વગેરેનો વિરોધ કરી રહ્યા છે. એકાદ દાયકાથી નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવી નથી. બૅન્કોમાં કામનું દબાણ વધી ગયું હોવાની પણ ફરિયાદ છે.
બૅન્કના કર્મચારીઓ લોકો તરફી બૅન્કિંગ નીતિઓ ઘડવાની અને જાહેર ક્ષેત્રની બૅન્કોને મજબૂત કરવાની માગણી કરી રહ્યા છે.
બૅન્ક કર્મચારીઓ 8 અને 9 જાન્યુઆરીના દેશભરમાં હડતાળ પાડશે અને હડતાળ ઉપર ઉતરેલા અન્ય કર્મચારીઓ અને કામદારોની સાથે મોરચા, રૅલીઓ કાઢશે, દેખાવો કરશે અને ધરણા ધરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer