ફરી નસરુદ્દીન શાહના વિવાદિત બોલ

અગાઉનો વિવાદ શમ્યો નથી ત્યાં સામે આવ્યો વીડિયો : કહ્યું, `દેશમાં નફરતનો બેખોફ નાચ'

નવી દિલ્હી, તા. 5 : દેશમાં ભયનો માહોલ હોવાનું કહીને વિવાદ જગાવનારા અભિનેતા નસીરુદ્દીન શાહનો ફરી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નસીરે દેશના માહોલ પર સવાલો ઉઠાવતાં નવો વિવાદ સર્જાય તેવી સંભાવના છે. આ વીડિયોને માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ડિયાએ ટ્વિટર પર શેર કર્યો છે.
આ વીડિયોમાં નસીર એવું કહી રહ્યા છે કે, આપણા આઝાદ દેશનું બંધારણ 26 નવેમ્બર- 1949ના ગ્રહણ કરવામાં આવ્યું હતું. આરંભનાં સત્રોમાં તેના સિદ્ધાંતો લાગુ કરી દેવામાં આવ્યા હતા. જેનો હેતુ એ હતો કે દરેક નાગરિકને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળી શકે, વિચારવાની, બોલવાની અને કોઈપણ ધર્મને માનવાની આઝાદી મળી શકે.
અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો ગરીબોનાં ઘરોને, જમીનો અને રોજગારને તબાહ થવાની બચાવવાની કોશિશ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે તેઓ એ જ બંધારણની રક્ષા કરી રહ્યા છે, પરંતુ હવે હક માટે અવાજ ઉઠાવનારાઓ જેલમાં બંધ છે. કલાકાર, શાયર બધાના કામ પર રોક લગાવાઈ રહી છે. પત્રકારોને પણ ખામોશ કરવામાં આવે છે.
નસીરે એમ પણ કહ્યું કે, ધર્મના નામે નફરતની દીવાર ઊભી કરવામાં આવી રહી છે. માસૂમોની હત્યા થઈ રહી છે. આખા દેશમાં નફરત અને અપરાધોનો બેખોફ નાચ જારી છે. 
આ બધા સામે અવાજ ઉઠાવનારાઓનાં કાર્યાલયો પર દરોડા પાડીને, લાયસન્સ રદ કરીને, બેન્ક ખાતાં ફ્રીઝ કરીને તેમને ચૂપ કરાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં નસીરે કહ્યું હતું કે, દેશનો માહોલ ખરાબ છે અને તેમને ડર લાગી રહ્યો છે. આ નિવેદનનો તમામ રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. બોલીવૂડે પણ આ નિવેદન વખોડયું હતું. જોકે, મહેશ ભટ્ટ, આશુતોષ રાણા, સ્વરા ભાસ્કર નસીરની પડખે ઊભા રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer