આંદામાન ભણી વળ્યું થાઈલૅન્ડનું ચક્રવાતી તોફાન `પાબુક'' : યેલો ઍલર્ટ

હવામાન વિભાગે આપી ચેતવણી : સાતમી જાન્યુઆરી સુધી આંદામાન સહિતનો દરિયો તોફાની રહેશે

નવી દિલ્હી, તા. 5 : થાઈલેન્ડના ચક્રવાતી તોફાન `પાબુક'એ ભારત ભણી આવવાનું શરૂ કર્યું છે. દેશના મોસમ વિભાગે `યેલો એલર્ટ' જારી કરતાં આંદામાન દ્વીપથી ટકરાય તેવી ચેતવણી આપી છે. મોસમ વિભાગે આંદામાનના સમુદ્રમાં માછીમારોના જવાને સંપૂર્ણ પ્રતિબંધિત કર્યું છે. આ સ્થિતિ સાતમી જાન્યુઆરી સુધી રહે તેવી સંભાવના છે. પાબુકને પગલે આંદામાન દ્વીપ સમૂહો, આંદામાન સાગર, મધ્યપૂર્વી તથા દક્ષિણપૂર્વી બંગાળની ખાડીથી અડીને આવેલા વિસ્તારોમાં દરિયો તોફાની રહેશે.
મોસમ વિભાગે કહ્યું હતું કે, આંદામાન દ્વીપમાં સમુદ્રની સ્થિતિ ઘણી ભયાનક રહી શકે છે. પાંચમી જાન્યુઆરીની સાંજથી સાતમી જાન્યુઆરીની સવાર સુધી  આ સ્થિતિ રહે તેવું અનુમાન છે. આ ઉપરાંત નિકોબાર દ્વીપ પર આવતીકાલે સમુદ્ર ઘણો તોફાની રહેશે. પાબુક હવે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી ચૂક્યું છે. પોર્ટ બ્લેયરથી તેની દૂરી આશરે 700 કિલોમીટર છે.
મોસમ વિભાગે જણાવ્યું હતું કે, આંદામાનના સમુદ્રમાં પહોંચતાંની સાથે જ તોફાન પોતાની દિશા બદલી લેશે અને આંદામાન ટાપુઓ ભણી આવતું થઈ જશે. 
મોસમ વિભાગે આ સ્થિતિને ધ્યાને લેતાં `યેલો એલર્ટ' જારી કર્યું છે. મોસમ વિભાગે જણાવ્યું હતું કે, આંદામાન દ્વીપ સમૂહમાં હવાની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer