પ્રદૂષણ-જળવાયુ પરિવર્તનનો કૃષિ પર `ડોળો''

દેશમાં અનાજ ઉત્પાદન ઘટવાનો અંદેશો

કૃષિ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ કબૂલાત : ઘઉં, બટાકા, મકાઈ સહિતને અસર

નવી દિલ્હી, તા. 5 :  જળવાયુ પરિવર્તન અને વધતા જતા પ્રદૂષણની ગંભીર અસર સામાન્ય લોકો ઉપર જ નહીં, બલ્કે પાક ઉપર પણ થઈ રહી છે. કૃષિ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિને લખવામાં આવેલા પત્રમાં કબૂલાત કરવામાં આવી છે કે ઘઉં, મકાઈ, સરસિયા, બટાકા, કપાસ અને નાળિયેરના પાક ઉપર પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનની સીધી અસર થઈ રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં રચવામાં આવેલી સંસદીય સમિતિએ આ અંગે માહિતી આપી છે. 
સમિતિ મુજબ, આગામી 31 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં 6-23 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. સીધા શબ્દોમાં કહેવામાં આવે તો દરેક એક ડિગ્રી તાપમાનમાં વધારાની સાથે ઘઉંની પેદાશમાં છ હજાર કિલોગ્રામ સુધીનો ઘટાડો થશે. આવી જ રીતે વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અન્ય ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. 
બટાકાના ઉત્પાદનમાં પણ 2.5 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. મકાઈના ઉત્પાદનમાં 18 ટકાનો ઘટાડો રહેશે. અનાજના ઉત્પાદનમાં 4 થી 6 ટકાનો ઘટાડો થશે. 
મંત્રાલયના રિપોર્ટમાં કહેવાયું છે કે, અનાજના પાક ઉપર અસર બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહી છે. આગામી વર્ષ સુધી જળવાયુ પરિવર્તનના કારણે તેનું ઉત્પાદન 4 થી 6 ટકા સુધી ઘટી શકે છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં દૂઘના ઉત્પાદન ઉપર પણ તેની અસર થશે. 1.6 મેટ્રિક ટન સુધી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, આ ઘટાડો એક વર્ષમાં રહેશે, જ્યારે 2050 સુધી 15 મેટ્રિક ટન સુધી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થશે. 
મંત્રાલયે આ સમસ્યા સામે લડવા માટે કેટલાક વિકલ્પો પણ સૂચવ્યા છે, જેના ભાગરૂપે ખેડૂતોને પાકમાં વિવિધતા લાવવા તથા જુદી-જુદી પ્રજાતિના પાકનું ઉત્પાદન કરવા કહેવામાં આવ્યું છે. પ્રદૂષણમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવા કહેવામાં આવ્યું છે. 
પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનની સીધી અસર જુદા- જુદા પાક ઉપર થઈ રહી છે. આવનાર સમયમાં વધુ માઠી અસર થઈ શકે છે. ખેડૂતોએ પહેલાંથી જ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer