સરકારી વકીલ ઉજ્જવલ નિકમ લોકસભાની ચૂંટણી લડશે?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપનો મક્કમતાથી મુકાબલો કરવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસે બે બેઠકોના ઉમેદવાર નક્કી કરી દીધા છે. તેની ઔપચારિક જાહેરાત પછી થશે. રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં જાણીતા સરકારી ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમને ઉમેદવારી આપવા વિશે ચર્ચા થઈ હતી. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી પ્રત્યેક 24 બેઠકો લડશે એવી સમજૂતી થઈ છે, એમ જાણવા મળે છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ટોચના નેતાઓની ગઈકાલે મળેલી બેઠકમાં રાયગઢમાંથી સુનીલ તટકરે અને કોલ્હાપુરમાંથી ધનંજય મહાડિકને ઉમેદવારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં લોકસભાની જળગાંવ બેઠક ઉપરથી ઉજ્જવલ નિકમને ઉમેદવારી આપવા વિશે પણ ચર્ચા થઈ હતી. જોકે નિકમે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા હજી સંમતિ દર્શાવી નથી તેથી આ વિશે નિર્ણય લઈ શકાયો નથી.
કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાંની લોકસભાની 40 બેઠકોની વહેંચણી નક્કી થઈ છે. શેષ આઠ બેઠકો અંગેના મતભેદો ચર્ચા કરીને હલ થશે. જળગાંવની બેઠક માટે ઉજ્જવલ નિકમની સાથોસાથ અનિલ પાટીલના નામની પણ ચર્ચા થઈ હતી. રાવેર અને પરભણી બેઠકો માટે રાષ્ટ્રવાદીના નેતાઓ સ્થાનિક નેતાઓનો મત જાણ્યા પછી ચર્ચા કરશે. બીડ માટે અમરસિંહ પંડિત અને જયદત્ત ક્ષીરસાગરના નામો ચર્ચામાં છે.
પુણેની બેઠક માટે ખેંચતાણ
પુણેની બેઠક માટે કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વીખે પાટીલ તેમના પુત્ર સુજય વીખે પાટીલ માટે માગી રહ્યા છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ આ બેઠક આપવા તૈયાર નથી. સુજય વીખે પાટીલે બેઠક માટે જરૂર પડયે કૉંગ્રેસ છોડવાના સંકેત આપ્યા છે. તેથી આ બેઠક માટેનો વિવાદ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ કેવી રીતે હલ કરે છે તે જોવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer