યુપીમાં બસપા-સપા ગઠબંધન અંગે સૈદ્ધાંતિક સહમતી, માસાંતે જાહેરાત

કૉંગ્રેસે એકલા હાથે જ લડવું પડશે

લખનૌ, તા. 5 : લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા વચ્ચે સંભવિત ગઠબંધન અંગે સહમતિના સંકેત મળી રહ્યા છે. અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે અનેક મીટીંગો બાદ બેઠક વહેંચણીને લઈ સૈદ્ધાંતિક સહમતી સધાઈ છે અને મહિનાના અંતે વિધિસરનું એલાન થશે એમ એસપીના નેતા રાજેન્દ્ર ચૌધરી જણાવે છે. અખિલેશ ગઈ કાલે માયાવતીને મળ્યા હતા અને તે બેઠકમાં આ સહમતી સધાઈ હતી. બેઉ પક્ષો વચ્ચેની ફોર્મ્યુલા મુજબ બેઉ પક્ષ 35 કે 36 બેઠકોએ લડશે. જો કે રાયબરેલી અને અમેઠીમાં  બેઉ પક્ષો કોંગ્રેસને સમર્થન કરશે. રાષ્ટ્રીય લોકદળને ગઠબંધનમાં બે-ત્રણ બેઠકો મળશે અને બાકી બેઠકોને સમાયોજિત કરવા પ્રયાસ થશે. સૂચિત ગઠબંધનમાં માયાવતી અને અખિલેશ કોંગ્રેસને સામેલ કરવા ઈચ્છતા ન હતા તેવા અહેવાલ છે.
યુપીમાં ભાજપ વિરુદ્ધના મહાગઠબંધનમાં સામેલ થવું એ ખોટના સોદા જેવું હોવાનું પામી ગયેલી કોંગ્રેસે એકલપંડે જ ચૂંટણીજંગમાં ઉતરવા તૈયારી આદરી છે. વળી 3 રાજ્યોની ચૂંટણીમાં પક્ષને મળેલો વિજયે, ચૂંટણીની ઠીક અગાઉ જ મોટીવેશનલ ટોનિક સમો બની રહ્યો છે. બસપા- સપાના ગઠબંધનમાં સામેલ થવામાં કોઁગ્રેસને કદાચ તેની અપેક્ષા મુજબની બેઠકો મળી ન શકે તેમ હતું.
કોંગ્રેસના શકિત પ્રોજેકટ બાદ પાર્ટીની કેન્દ્રિય નેતાગીરીના ઈશારે તમામ જિલ્લાધ્યક્ષો પાસેથી બૂથ સ્તર સુધીના પદાધિકારીઓ વિશે વિગતો માગી છે, જે તા.10 મી સુધી પ્રદેશ નેતાગીરીની વેબસાઈટ પર અપલોડ કરવાની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer