મીરા રોડના યુવાનની 12 લાખના હીરાની તફડંચી માટે ધરપકડ

મુંબઈ, તા. 5 : મરીન ડ્રાઇવ પોલીસે હીરાના વેપારીનો સ્વાંગ સજીને રૂપિયા 12 લાખની કિંમતના હીરા લઇને છૂ થઈ ગયેલા ગુજરાતી યુવાનની ધરપકડ કરી હતી.
આરોપી અશોક જીવાણી (35) ગુજરાતના બોટાદ જિલ્લાનો વતની છે અને તે મીરા રોડમાં રહે તો હતો તેથી સામે આવાજ પ્રકારના ગુના અને છેતરાપિંડીના કેસો શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે.
ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પકડાયેલા જીવાણીને અદાલત કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો અને શુક્રવારે એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઇકોમર્સ વેબસાઇટનો એક્ઝિક્યુટિવ ફરિયાદી છે અને તેણે એવો આરોપ મૂક્યો હતો કે, જીવાણી એ તેનો સંપર્ક સાધ્યો હતો અને પોતે ત્રિડેન્ટ હૉટલના નટરાજ જ્વેલર્સનો કર્મચારી છે અને વેબસાઇટ પરથી હીરા ખરીદવા માંગે છે. ડિલિવરી બોય જીવાણીએ આપેલા સરનામે ગયો હતો ત્યારે જીવાણીએ હીરા જોવા માંગ્યા હતા. 130 કેરેટના ડાયમંડને તપાસવાના બહાને જીવાણીએ ડિલિવરી બોયને દુકાનમાં રાહ જોવાનું કહ્યું હતું. અને પોતે માપતોલની સ્કેલ નીચે ભૂલી ગયો છે, એમ જણાવ્યું હતું. આવું કહીને જીવાણી હીરા સાથે દુકાનમાંથી નાસી ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
તપાસ કરતાં તપાસકર્તા ટીમે વેબસાઇટને જે નંબર પરથી જીવાણીએ ફોન કર્યો હતો તે નંબર શોધી કાઢ્યો હતો અને તેના આધારે તેના કોલ રેકોર્ડસની ડિટેલ મળી હતી જેના પરથી પોલીસે તેને તેના મીરા રોડના ઘરમાંથી પકડી પાડયો હતો.
`અમે તેના અન્ય સાથી ભાવનગરના મહેશ પટેલ (35)ની પણ શોધ કરી રહ્યા છીએ' અમે જીવાણી પાસેથી 110 કરેટના હીરા કબજે કર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer