એક્ઝિટ પોલ્સે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધારી

એક્ઝિટ પોલ્સે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધારી
વડા પ્રધાન મોદી અને અમિત શાહની પ્રતિષ્ઠા દાવ પર

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 8 : પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનું મતદાન શુક્રવારે પૂરું થઈ ગયા બાદ મુખ્ય રાજકીય પક્ષો ખાસ કરીને શાસક ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો ચુકાદો 11 ડિસેમ્બરના મંગળવારે આવશે, પરંતુ તે પહેલાં એક્ઝિટ પોલ્સ મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં શાસક ભાજપની હાલત નાજુક થઈ ગઈ છે. એક્ઝિટ પોલ્સનાં પરિણામોને નજર સમક્ષ રાખતાં ભાજપના ટોચના નેતાઓના માથા પર ચિંતાની લકીર સાફ નજરે પડી રહી છે.
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ શાસક ભાજપના નેતૃત્વ માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે, કારણ કે ભાજપપ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે, પરંતુ જો વિધાનસભાની આ ચૂંટણીઓમાં ભાજપની હાર થશે તો ભાજપના નેતૃત્વની હંમેશાં પ્રશંસા કરતો એક મોટો વર્ગ હાર માટેનો દોષનો ટોપલો વસુંધરા રાજે સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ અને ડૉ. રમણ સિંહના માથે ઢોળશે અને એવું બતાવવામાં આવશે કે પક્ષનો પરાજય સત્તાવિરોધી લહેરને કારણે થયો છે.
પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ 11 ડિસેમ્બરના સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં આવી જશે અને આ ચૂંટણી પરિણામોના આધારે મોદી અને શાહની જોડી 2019ની લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ નવેસરથી ઘડશે.
રામમંદિર માટે કાયદો લાવવા કે વટહુકમ લાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ સરકાર પર દબાણ કરી રહ્યા છે, પરંતુ સરકારે મંદિર નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે, પરંતુ સત્તાવાર રીતે એવું નિવેદન બહાર પાડયું નથી.
આ સંદર્ભમાં શિયાળુ સત્ર મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે મોદી સરકાર રામમંદિર માટે કાયદો કે વટહુકમ લાવે છે કે નહીં તે જોવાનું રસપ્રદ થઈ પડશે.
9 ડિસેમ્બરના રામલીલા મેદાન પર વિશ્વ હિન્દુ પરિષદ ધર્મસભાનું આયોજન કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer