ઘાટકોપરના હીરાના વેપારીના ડેથ કેસમાં ટોપની ટીવી એક્ટ્રેસનું નામ નીકળ્યું

ઘાટકોપરના હીરાના વેપારીના ડેથ કેસમાં ટોપની ટીવી એક્ટ્રેસનું નામ નીકળ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : પનવેલ પાસેથી મળેલી ઘાટકોપર (પૂર્વ)ના હીરાના વેપારીની લાશના સંદર્ભમાં પોલીસે મહારાષ્ટ્રના એક કૅબિનેટ મિનિસ્ટરના માજી સચિવ સચીન પવારની પણ અટક કરી છે. 57 વર્ષના વેપારી રાજેશ્વરી ઉદાણી 27 નવેમ્બરથી લાપતા થયા હતા અને ચાર ડિસેમ્બરના પનવેલ પોલીસને નેરે ગામના જંગલમાંથી તેમની લાશ મળી હતી. કપડાં અને પટ્ટા પરથી કુટુંબીઓએ તેમની લાશ ઓળખી હતી. સચીન પવારને શનિવારે અટકમાં લેવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેક ટીવી અભિનેત્રીના પણ આ કેસમાં નિવેદન લીધાં છે.
સચીન પવાર 2009માં ભાજપનો બૂથ પ્રમુખ હતો. 2012માં તે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અપક્ષ તરીકે લડયો હતો. એ બાદ પક્ષમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી. 2017માં તેની પત્ની સાક્ષીને મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મળી હતી અને સચીનને ભાજપમાં પાછો લેવામાં આવ્યો હતો. અત્યારે સચીન પવાર ભાજપમાં તો છે પણ કોઈ હોદ્દો ધરાવતો નથી.
જે ત્રણેક ટીવી અભિનેત્રીનાં નિવેદન લેવામાં આવ્યાં છે એમાં દેબોલીના ભટ્ટાચાર્યનો પણ સમાવેશ છે. દેબોલીના સચીન પવાર સાથે ગુવહાટી પણ ગઈ હતી.
એવું કહેવાય છે કે સચીન પવાર અને રાજેશ્વરી ઉદાણી વચ્ચે 70 હજાર રૂપિયાના મુદ્દે વિવાદ થયો હતો. દેબોલીનાએ બીજી બે અભિનેત્રીની ઓળખાણ રાજેશ્વરી ઉદાણી સાથે કરાવી હતી. એ ઉપરાંત સાત બાર ગર્લ્સનાં પણ પોલીસે નિવેદન લીધાં છે. દેબોલીના ભટ્ટાચાર્ય `સાથ નિભાના સાથિયા' સિરિયલમાં ગોપી બહુની ભૂમિકાને લીધે ચર્ચામાં આવી હતી. મહારાષ્ટ્રના જે કૅબિનેટ મિનિસ્ટરનો સચીન પવાર  સચિવ રહ્યો હતો એ મિનિસ્ટરે કહ્યું હતું કે 2002માં મારો સંપર્ક સચીન પવાર સાથે પહેલીવાર થયો હતો. 2009-10માં તે મારો સચિવ બન્યો હતો. અત્યારે મારો એની સાથે કોઈ સંબંધ નથી. ભાજપમાંથી તેની હકાલપટ્ટી થઈ એ બાદ મનોરંજન વિશ્વમાં પ્રવેશવાની તેની ખટપટ ચાલુ હતી.
હીરાના વેપારી રાજેશ્વરી ઉદાણી 27 નવેમ્બરના ગુમ થયા હતા અને પોલીસમાં ફરિયાદ 28 નવેમ્બરના રોજ નોંધાવવામાં આવી હતી. 27 નવેમ્બરે જ્યારે તેઓ ગારોડિયા નગરના ઘરે આવતા હતા ત્યારે તેમણે ડ્રાઈવરને વિક્રોલી ટ્રાફિક ચોકી પાસે ગાડી લઈ જવા કહ્યું. ત્યાં તેઓ ઊતરી ગયા અને ડ્રાઈવરને ગાડી ઘરે લઈ જવાની સૂચના આપી હતી. ડ્રાઈવરે ત્યાં સફેદ ગાડી ઊભી હતી તેમાં બેસતા તેમને જોયા હતા ત્યારથી તેઓ ગુમ થયા હતા.
પનવેલ નજીકના ડેમની ઝાડી-ઝાંખરામાં ચોથી ડિસેમ્બરે સિક્યુરિટી ગાર્ડને એક બોડી દેખાઈ હતી અને ગાર્ડે પનવેલ તાલુકાના પોલીસને જાણ કરી હતી.
ડેડ-બોડી કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી તેમના પરિવારે તેમનાં વસ્ત્રો, બેલ્ટ અને જોડાં પરથી તેમની ઓળખ કરી હતી. તેમની ડેડ-બોડી પોસ્ટમૉર્ટમ માટે જે.જે. હૉસ્પિટલમાં મોકલાવાઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer