દુકાળગ્રસ્ત કચ્છનાં પશુઓ માટેની સબસિડી વધારવામાં આવશે : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

દુકાળગ્રસ્ત કચ્છનાં પશુઓ માટેની સબસિડી વધારવામાં આવશે : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
મુંબઈના વર્ધમાન પરિવારને કચ્છનાં દુકાળગ્રસ્ત પશુઓ માટે બે કરોડ રૂપિયાનો ચેક અર્પણ
 
મુંબઈ, તા. 8 : અમદાવાદ પાંજરાપોળ દ્વારા મુંબઈના વર્ધમાન પરિવારને કચ્છનાં દુકાળગ્રસ્ત પશુઓ માટે બે કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવા માટે રાજકોટમાં એક સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાતના અછતગ્રસ્ત તાલુકાઓનાં પશુઓ માટે હાલમાં પશુદીઠ જે પચીસ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી છે એને ઉનાળામાં વધારી આપવામાં આવશે.
મુંબઈના વર્ધમાન પરિવાર દ્વારા કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાનાં 133 ગામોમાં રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જુલાઈથી આ ત્રણ તાલુકાઓમાં શરૂ કરાયેલાં નિરણ કેન્દ્રોમાં લગભગ પ0,000 પશુઓની દેખરેખ કરવામાં આવે છે અને એમનો નિભાવખર્ચ અત્યાર સુધીમાં અઢી કરોડ રૂપિયા જેટલો થયો છે. રાજ્ય સરકારે 1પ ડિસેમ્બરથી પશુદીઠ પચીસ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, પણ પશુદીઠ પચાસ રૂપિયાનો ખર્ચ થાય છે. જીવદયાપ્રેમીઓ દ્વારા આ સબસિડીની રકમ વધારીને 3પ રૂપિયા કરી આપવાની માગણી કરવામાં આવી છે. 
અમદાવાદ પાંજરાપોળના મૅનેજિંગ ટ્રસ્ટી સંવેગ લાલભાઈને કચ્છમાં વર્ધમાન પરિવાર દ્વારા ચાલતાં જીવદયાનાં કાર્યની માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટી મંડળની મીટિંગમાં બે કરોડ રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ સમારોહમાં જૈનાચાર્ય યશોવિજયસૂરિજી મહારાજે આશીર્વચન આપ્યાં હતાં. સમારોહનું આયોજન જીવદયાઘરના અધ્યક્ષ રાજેન્દ્ર શાહ, ઍનિમલ હેલ્પલાઇનના મિત્તલ ખેતાણીએ કર્યું હતું. આ પ્રસંગે વર્ધમાન પરિવારના અધ્યક્ષ કેસરીચંદ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer