હોકી વિશ્વકપ : ભારતનો પ્રભાવી વિજય

હોકી વિશ્વકપ : ભારતનો પ્રભાવી વિજય
એકતરફી મુકાબલામાં કૅનેડાને 5-11થી હરાવીને વટભેર કવાર્ટર ફાઇનલમાં

નવી દિલ્હી, તા. 8 : હોકી વિશ્વકપના પુલ-સીના બેહદ મહત્ત્વના મુકાબલાને શરૂઆતથી જ સાવ એકતરફી બનાવી દઇ શાનદાર પ્રદર્શન સાથે ભારતે કેનેડાને 5-1થી સજ્જડ પરાજય આપ્યો હતો અને ટુર્નામેન્ટની બીજી જીત સાથે કવાર્ટર ફાઇનલમાં વટભેર પ્રવેશ કરી લીધો હતો.
વર્લ્ડ રેન્કિંગમાં 11મું સ્થાન ધરાવતા કેનેડા સામે ભારત તરફથી હરમનપ્રીત કૌરે 12મી મિનિટે, ચિંગલેન સાનાએ 46મી, લલિત ઉપાધ્યાયે 47મી અને 57મી તેમજ અમિત રોહિદાસે 51મી મિનિટે ગોલ કરતાં સહિયારું પ્રદર્શન કર્યું હતું.
અમિત અને હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર ગોલ ફટકાર્યા હતા. અલબત્ત, શરૂઆતમાં 10 મિનિટ સુધી રમત પર કેનેડાની પકડ રહી હતી, પરંતુ ત્યાર પછીથી ભારતીય ટીમ પ્રભાવી થઇ ગઇ હતી.
કેનેડા તરફથી ફ્લોરીસ વૈને સોને રમતની 39મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. આમ, ત્રીજા ક્વાર્ટર સુધી મુકાબલો 1-1થી બરોબરી પર હતો.
પરંતુ મુકાબલાના ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ભારતીય ટીમે સહિયારી મહેનત કરીને ગોલનો વરસાદ કરી દીધો હતો.
રમતની 51મી મિનિટે અમિત રોહિદાસે ચોથો ગોલ ફટકારીને ભારતની જીત પાકી કરી લીધી હતી. લલિતકુમારે 57મી મિનિટે પોતાનો બીજો ગોલ ફટકારતાં ભારતે 5-1થી બાજી મારી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer