એડિલેડ ટેસ્ટ : ભારતને સરસાઈ, પૂજારા ઉપર દારોમદાર

એડિલેડ ટેસ્ટ : ભારતને સરસાઈ, પૂજારા ઉપર દારોમદાર
એડિલેડ, તા. 8: કેપ્ટન કોહલી ઝડપથી આઉટ થયા બાદ પહેલી મેચના શતકવીર ચેતેશ્વર પુજારાની ઈનિંગના દમ ઉપર ભારતે ઓસ્ટ્રેલિયા સામે પહેલા ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે કુલ 166 રનની સરસાઈ મેળવી છે. ત્રીજા દિવસની રમત પૂરી થતા ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 151 રન કર્યા હતા. આ અગાઉ ભારતની પહેલી ઈનિંગના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 235 રને ઓલઆઉટ થઈ હતી. દિવસના અંતે પુજારા 40 અને રહાણે 1 રને મેદાનમાં હતા. 
કોહલી અને પુજારાએ ત્રીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. સ્પિનર નાથન લાયને કોહલીને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. કોહલીએ 104 બોલમાં 34 રન કર્યા હતા. આ દરમિયાન કોહલીએ ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા અને સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ભારતીય બેટ્સમેનની યાદીમાં સામેલ થયો હતો. ખરાબ હવામાન વચ્ચે લંચ બાદ ખેલ પ્રભાવિત થયો હતો અને રમત શરૂ થયા બાદ દિવસની 61 ઓવર બાકી હતી. 
રાહુલ અને મુરલી વિજયે પહેલી ઈનિંગની નિષ્ફળતા બાદ બીજા દાવમાં સંભાળીને ઈનિંગ આગળ વધારી હતી. બન્નેએ કોઈપણ જોખમી શોટ્સ રમ્યા નહોતા અને 10 ઓવરમાં વિના વિકેટે 19 રન થયા હતા. આ અગાઉ સવારના સત્રમાં મેચ 45 મિનિટ મોડો શરૂ થયો હતો. પહેલી 20 મિનિટની રમતમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના 7 વિકેટે 191 રનથી રમતની શરૂઆત કરી હતી અને 91મી ઓવરમાં 200 રન પૂરા કર્યા હતા. જો કે 235 રનના સ્કોરે ટીમ ઓલઆઉટ થઈ હતી. જેમાં ભારત તરફથી અશ્વિન અને બુમરાહે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે શમી અને ઈશાન્ત શર્માને 2-2 વિકેટ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer