કાંદાના ભાવ ગગડી જતાં કરજમાં ડૂબેલા ખેડૂતે ગળાફાંસો ખાધો

અમારા પ્રતિનિધિ તરફથી
નાશિક, તા. 8 : કાંદાના ભાવ સાવ ગગડી જતાં 44 વર્ષના તાત્યાભાઉ ખૈરનાર નામના ખેડૂતે કાંદાના ગોડાઉનમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. નાશિક જિલ્લાના સટાણા તાલુકાના ભડાણે ગામમાં આ બનાવ બન્યો હોવાથી પોલીસ તપાસ કરી રહી છે.
તાત્યાભાઉ ખૈરનાર પર બૅન્કની લોન ભરવાનું ટેન્શન હતું અને એવામાં કાંદાના ભાવ તળિયે જતા રહ્યા છે. ખાસ્સી મહેનતથી ખેતરમાં લીધેલા પાકને યોગ્ય ભાવ મળતો ન હોવાથી બૅન્ક-લોન કઈ રીતે ચૂકવવી એ પ્રશ્ન સતત તેમની નજર સામે ફરતો રહેતો હતો. એક તરફ કરજનો ખડકાયેલો ડુંગર તો બીજી તરફ કાંદાના તળિયે ગયેલા ભાવને લીધે તાત્યાભાઉ સંકટમાં મુકાઈ ગયા હતા એટલે તેમણે જે રૂમમાં કાંદાનો સ્ટૉક કર્યો હતો એમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
દરમિયાન મહારાષ્ટ્રમાં દુકાળ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોની આત્મહત્યા અટકવાનું નામ નથી લેતી. શુક્રવારે બીડ તાલુકાના કોળગાવના એક ખેડૂતે ઝેર પીને આત્મહત્યા કરી હતી. કેન્દ્ર સરકારની દુકાળની ચકાસણી કરતી ટીમ બીડમાં હાજર હતી ત્યારે જ બૅન્ક-લોનના ભાવ તળે દબાયેલા 65 વર્ષના કુંડલિક કાનતોડે નામના ખેડૂતે ઝેર ઘોળીને જીવનનો અંત આણ્યો છે.
કુંડલિક કાનતોડે પર બૅન્કનું ત્રણ લાખ રૂપિયાનું કરજ હતું અને બીજી તરફ દુકાળને લીધે ખેતરમાં પાક ન લઈ શકતાં કાનતોડે લોનના હપ્તા ન ભરી શક્યા એટલે વિચારોમાં અટવાયેલા કાનતોડેએ કંટાળીને ઝેર ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો.
મરાઠવાડામાં દુકાળની ચકાસણી કરવા માટેની કેન્દ્રની ત્રણ સભ્યોની ટીમ મરાઠવાડાની મુલાકાતે છે. એ ટુકડીના સભ્યો ખેડૂતોને મળીને ખેતરમાં જઈને તપાસ કરશે અને એનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલશે. કેન્દ્ર સરકાર દુકાળ માટે મહારાષ્ટ્રને કેટલી આર્થિક મદદ આપવી એનો નિર્ણય લેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer