સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસનો ચુકાદો 21 ડિસેમ્બરે

મુંબઈ, તા. 8 : સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબાઈ અને તુલસીરામ પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટરમાં ઠાર કરાયાં હોવાના પ્રકરણમાં વિશેષ સીબીઆઇ કોર્ટ 21 ડિસેમ્બરે ચુકાદો આપશે. 2005ના વર્ષમાં ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસરબાઈની હત્યા કરી હતી અને એ બનાવના એકમાત્ર પ્રત્યક્ષદર્શી વિટનેસ તુલસીરામ પ્રજાપતિની હત્યા 2006માં થઈ હતી. એ ત્રણેયને સામસામા ગોળીબારમાં ઠાર કરવામાં આવ્યાં હોવાનો દાવો ગુજરાત અને રાજસ્થાન પોલીસે કર્યો છે, પણ સીબીઆઇએ દાવા કર્યો છે કે એ ત્રણેય જણને બનાવટી એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યાં હતાં.
શરૂઆતમાં એ પ્રકરણની તપાસ ગુજરાત સીઆઇડીએ કરી હતી. ત્યાર બાદ 2010માં એ તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને 2012માં એ કેસ મુંબઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 
હું આ ખટલાનો ચુકાદો 21 ડિસેમ્બરે આપીશ અથવા જો ત્યારે શક્ય નહીં બને તો 24 ડિસેમ્બરે આપીશ એવું વિશેષ સીબીઆઇ કોર્ટના ન્યાયાધીશ એસ. જે. શર્માએ કહ્યું છે. એ ખટલાના અંતિમ યુક્તિવાદની શરૂઆત 3 ડિસેમ્બરથી થઈ હતી અને બે દિવસમાં એ પૂરી થઈ હતી.
સીબીઆઇએ જણાવ્યા મુજબ 2005થી 2006 દરમિયાન ગુજરાત અને રાજસ્થાન પોલીસની ટીમે ભેગી મળીને શેખ અને પ્રજાપતિની હત્યા કરી હતી. એ પ્રકરણમાં 22 પોલીસ અધિકારીઓ પર ખટલો ચલાવાયો હતો. એમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત 15 વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓને 2014થી 2018 દરમિયાન દોષમુક્ત કરાયા હતા.
સરકારી વકીલોએ કોર્ટમાં 210 વિટનેસની જુબાની નોંધાવી હતી અને એમાં 92 વિટનેસ ફરી ગયા હતા. સીબીઆઇના વકીલ બી. પી. રાજુએ કોર્ટમાં કહ્યું હતું કે ઘટનાનાં પાંચ વર્ષ બાદ તપાસની શરૂઆત કરી અને 12 વર્ષ પછી વિટનેસની જુબાની નોંધવાની શરૂઆત કરી. અમુક મહત્ત્વના વિટનેસ ફરી જતાં ખટલાને નુકસાન પહોંચ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer