રૂપાણી સરકારે 69 બિનઅનામત જાતિઓની યાદી જાહેર કરી


 હિન્દુ ધર્મની 42, મુસ્લિમ ધર્મની 23 અને અન્ય ધર્માવલંબી 3 જાતિઓનો સમાવેશ 
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 : રાજ્યની રૂપાણી સરકારે બિનઅનામત જાતિઓની યાદી જાહેર કરી છે. સરકારે કુલ69 જાતિઓનો બિનઅનામતમાં સમાવેશ કર્યો છે, જેમાં હિન્દુ ધર્મની 42 અને મુસ્લિમ ધર્મની 23 જાતિઓનો સમાવેશ છે. એ ઉપરાંત અન્ય ધર્માવલંબી ત્રણ જાતિઓનો પણ બિનઅનામતમાં સમાવેશ થાય છે. આ એવી જ્ઞાતિઓ છે જેનો સમાવેશ એસસી, એસટી કે ઓબીસીમાં કરવામાં આવ્યો નથી. 
મહત્ત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનને પગલે સરકારે સપ્ટેમ્બર 2017માં સવર્ણોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે બિનઅનામત આયોગની રચના કરી હતી જેના એક વર્ષ પછી સરકારે બિનઅનામત વર્ગની 69 જાતિઓને અલગ તારવી છે. આ તમામ જ્ઞાતિઓને બિનઅનામત ગણીને એને સરકાર તરફથી જાહેર કરવામાં આવતી સહાયનો લાભ આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બરે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. 
બીજા રાજ્યમાંથી ગુજરાતમાં સ્થાયી થનારા પરિવાર માટે સરકારે નક્કી કર્યું છે કે એ છેલ્લાં 15 વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઈએ. રાજ્યના સામાજિક અને ન્યાય વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બિનઅનામત કૉર્પોરેશનમાંથી સરકારના લાભ અથવા બેનિફિટ જોઈતા હોય તો સર્ટિફિકેટ લેવાનું રહેશે.  સરકારે જ્ઞાતિઓ પ્રમાણે જાહેર કરેલી કૅટેગરી મુજબ 36 અનુસૂચિત જાતિ, 32 અનુસૂચિત જનજાતિ, 146 સામાજિક અને શૈક્ષણિક પછાત, 104 ઓબીસી, 42 બિનઅનામત હિન્દુ, 24 બિનઅનામત મુસ્લિમ અને 3 બિનઅનામત ધર્માવલંબી જ્ઞાતિનો સમાવેશ થાય છે. 
બિનઅનામત હિન્દુ જ્ઞાતિઓમાં બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ-નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, ઔદીચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગૂગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત-રજપૂત, ક્ષત્રિય, વાણિયા-વૈષ્ણવ-શાહ, વૈષ્ણવ વાણિયા, ભાટિયા, ભાવસાર, ભાવસાર (જૈન), બ્રહ્મક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, નાન્યેતર જાતિ (એસસી, એસટી, ઓબીસી સિવાય), પલજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી-કણબી, લેઉવા પાટીદાર-પટેલ, કડવા પાટીદાર-પટેલ, લાડ વાણિયા, શ્વેતામ્બર જૈન વાણિયા, દિગમ્બર જૈન વાણિયા, લોહાણા-લવાણા-લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત (ગુજરાત રહેતા), મહારાષ્ટ્રિયન (ગુજરાતમાં સ્થાયી થયેલા), દશા-વીસા જૈન, પોરવાલ જૈન, સોમપરા-સોમપુરા બ્રાહ્મણ, સોની-સોનાર-સુવર્ણકાર, સિંધી (ઓબીસી સિવાય)નો સમાવેશ થાય છે.  જ્યારે બિનઅનામત મુસ્લિમ જ્ઞાતિઓમાં સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા (મુસ્લિમ), દાઊદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક (જે ઓબીસી-એસઈબીસીમાં ન હોય તેઓ), મેમણ, મોગલ, મોમીન (પટેલ), પટેલ (મુસ્લિમ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ (જે ઓબીસી-એસઈબીસીમાં ન હોય તેઓ), વાયાપીર (મુસ્લિમ) અને અત્તરવાલાનો સમાવેશ કરાયો છે.  બિનઅનામત અન્ય ધાર્માવલંબી જ્ઞાતિઓમાં પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિતમાંથી ધર્માંતરિત થયા નથી તેઓ) તેમ જ યહૂદીનો સમાવેશ થાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer