ગુજરાતી બૅન્કરની હત્યા કેસમાં કૅબ ડ્રાઈવર સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી

મુંબઈ, તા. 8 : એચડીએફસીના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીનું કમલા મિલ્સના પાર્કિંગમાં હત્યાના ત્રણ મહિના બાદ મુંબઈ પોલીસે કૅબ ડ્રાઈવર અને ફેબ્રિકેટર સરફરાઝ  શેખ વિરુદ્ધ 254 પાનાંની ચાર્જશીટ ભોઈવાડા કોર્ટમાં દાખલ કરી છે. 
સંઘવી અને તેમની કાર સાથે કમલા મિલ્સના પાર્કિંગ લોટમાંથી પાંચ સપ્ટેમ્બરના રોજ ગુમ થયા હતા. પાંચ દિવસ બાદ સંઘવીનો મૃતદેહ કલ્યાણમાંથી મળી આવ્યો અને કાર નવી મુંબઈના કોપરખૈરાણે નજીકથી મળી હતી.
10 સપ્ટેમ્બરે સરફરાઝ શેખની ચોરી, અપહરણ અને સંઘવીની હત્યા કરવાના આરોપસર ધરપકડ થઈ હતી. સરફરાઝ શેખે મોટરસાઈકલની લોનના માસિક હપ્તા ભરવા માટે પૈસાની જરૂર હતી તેથી સંઘવીની હત્યા કરી હતી. 
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ચાર્જશીટમાં વિગતવાર માહિતી અપાઈ છે. સરફરાઝ શેખનો ફક્ત ચોરી કરવાનો ઈરાદો હતો પરંતુ સંઘવીએ પ્રતિકાર કર્યો હોવાથી તેની હત્યા કરી હતી. ચાર્જશીટમાં 20 સાક્ષીઓનું બયાન છે અને સંઘવી તેમ જ સરફરાઝ શેખની કોલ ડિટેલ રેકર્ડ (સીડીઆર) પણ છે. પોલીસનો દાવો છે કે સીડીઆરથી સાબિત થાય છે કે શેખ અને સંઘવી ઘટનાના સમયે પાર્કિંગ લોટમાં જ હતા. ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું છે કે એકલા સંઘવી જ સરફરાઝ શેખનો શિકાર બન્યો નથી અને આ સંદર્ભમાં પોલીસે એક બિઝનેસમેનનું સ્ટેટમેન્ટ પણ ચાર્જશીટમાં જોડયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer