સ્માર્ટ સિટીઝ માટે ગુજરાતમાંથી સ્ટેનલેસ સ્ટીલની પ્રચંડ માગની અપેક્ષા

અમદાવાદ, તા. 8 : ગુજરાતના સ્માર્ટ સિટીઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રોથ તેમ જ અન્ય વિકાસકાર્યોને કારણે રાજ્યમાં સ્ટેનલેસ સ્ટીલની પ્રચંડ માગ ઊભી થવાની ધારણા ઉત્પાદકો સેવી રહ્યા છે.
રાજ્યના પ્રોજેક્ટોમાં સ્ટેનલેસ સ્ટીલને પ્રમોટ કરવા માટે ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ ઍસોસિયેશન (આઈએસએસડીએ)એ તાજેતરમાં અમદાવાદમાં `સ્ટે. સ્ટીલ ફોર સ્માર્ટ સિટીઝ ઍન્ડ સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' નામના પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં સુદૃઢ અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્ટેનલેસ સ્ટીલના વિવિધ ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
`ગુજરાતમાં કોઈ પણ નવા વિચારોને અન્ય રાજ્યો કરતાં ખૂબ જ ઝડપથી સ્વીકૃતિ મળે છે અને તેથી જ અહીં સ્ટે. સ્ટીલની જબરજસ્ત માગ ઊભી થવાની આશા અમે રાખીએ છીએ. ભારતમાંના એક સૌથી સાહસિક મોડેલ તરીકે ગુજરાત પાસે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ગાંધીનગર, સુરત અને અમદાવાદમાં મેટ્રો રેલ તેમ જ કચ્છ, સૌરાષ્ટ્ર અને સૂર્યપુરમાં કોસ્ટલ ઇકોનોમિક ઝોન જેવા અનેક પ્રોજેક્ટો છે અને અમે માનીએ છીએ કે આને લીધે ભારતમાં સૌથી વધુ સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ ગુજરાતમાં થશે' એમ આઈએસએસડીએના પ્રમુખ કે.કે. પાહુજાએ જણાવ્યું હતું.
આઈએસએસડીએના મતે તેના વિશેષ ગુણધર્મોને કારણે સ્ટેનલેસ સ્ટીલ સ્માર્ટ સિટીઝ તેમ જ સસ્ટેનેલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાશ માટે એક આદર્શ મટિરિયલ છે. કાટ-પ્રતિરોધક હોવા ઉપરાંત લાંબા સમય સુધી મેન્ટેનન્સ ફ્રી હોવાથી અન્ય મટિરિયલની તુલનામાં સ્ટેનલેસ સ્ટીલ પર વધુ પસંદગી ઉતારવામાં આવે છે.
પાહુજાએ વધુમાં જણાવ્યું હતું કે `દેશમાં સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટેની વધતી માગને ધ્યાનમાં રાખી અમે વિવિધ રેન્જના સ્ટેનલેસ સ્ટીલ એપ્લીકેશન્સ બાબતે તેના વપરાશકારો, ડિઝાઇનરો અને ઉત્પાદકોને સાવધ અને સજાગ કરવા માગીએ છીએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer