2017-''18માં કુલ વ્યક્તિગત સંપત્તિ 14 ટકા વધીને રૂા. 392 લાખ કરોડ થઈ

મુંબઈ, તા. 8 : લોકોની સંપત્તિમાં વૃદ્ધિ થતી હોવાનું જોવાય છે. નાણાકીય વર્ષ 2017-'18માં ભારતમાં વ્યક્તિગત સંપત્તિ 14 ટકા વધીને રૂા. 392 લાખ કરોડ થઈ હતી. આ માટે નાણાકીય એસેટ્સમાં 17.42 ટકાની ઊંચી વૃદ્ધિ અને ભૌતિક મિલકતોમાં 9.24 ટકાની વૃદ્ધિ મુખ્યત્વે જવાબદાર હતી.
આ એસેટ્સમાં ડાયરેક્ટ ઈક્વિટી ઊંચા સ્થાને છે, જેમાં ભારતીય ફિક્સ્ડ ડિપૉઝિટની સરખામણીમાં વધુ રોકાણ ધરાવે છે. અન્ય જાણીતી મિલકતોમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને વૈકલ્પિક રોકાણમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. ફાઈનાન્શિયલ સર્વિસીસ જૂથ કાર્વી ગ્રુપની વેલ્થ મૅનેજમેન્ટ કંપની કાર્વી પ્રાઈવેટ વેલ્થે `ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ' 2018માં આ માહિતી આપી હતી. આ રિપોર્ટ છેલ્લાં એક વર્ષમાં સંપત્તિના સર્જનમાં પ્રદાન સાથે સંબંધિત છે.
નાણાકીય વર્ષ 2017-'18માં ડાયરેક્ટ ઈક્વિટી પસંદગીની એસેટ તરીકે ઊભરી આવી છે. વૈશ્વિક બજારો અને ભારતીય બજારમાં ચડ-ઊતર વર્ષના બીજા અર્ધગાળા માટે વધારે જોવા મળી હતી. છતાં ભારતની સ્થિતિ હજુ પણ સારી છે અને ચીન પાસેથી વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્ર તરીકેનું સ્થાન પચાવી પાડયું છે.
ભારતે કૅલેન્ડર વર્ષ 2017માં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરી હતી જેમાં એચએનઆઈની સંપત્તિમાં 20.4 ટકાનો અને એચએસઆઈની સંપત્તિમાં 21.6 ટકાનો વધારો થયો હતો. હાલમાં ભારતમાં વ્યક્તિગત નાણાકીય સંપત્તિમાં ડાયરેક્ટર ઈક્વિટીનો હિસ્સો 20.7 ટકા છે. નાણાકીય વર્ષ 2017-'18માં ઈક્વિટી બજારની સકારાત્મક કામગીરીએ એને સૌથી મોટી પસંદગીની એસેટ બનાવી હતી.
એક અંદાજ મુજબ ભારતમાં વ્યક્તિગત નાણાકીય સંપત્તિ 2022-'23 સુધીમાં 17 ટકાના આર્થિક ચક્રવૃદ્ધિ દરે વધી બમણાથી વધારે એટલે રૂા. 517.88 લાખ કરોડ થઈ જશે. આ વધારા માટે ડાયરેક્ટ ઈક્વિટી અને મ્યુ. ફંડમાં વધારો મહત્ત્વપૂર્ણ બની રહેશે એવી ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer