ટુ-વ્હીલર્સનો વીમો સસ્તો થશે

થર્ડ પાર્ટી વીમા પરનો જીએસટી ઘટાડાશે!

નવી દિલ્હી, તા. 8 : ટુ-વ્હીલર્સના વીમા હપ્તાની રકમ ઘટવાના સંકેત મળી રહ્યા છે. આ હપ્તા પર લગાડાતા જીએસટીના દરમાં કપાતની શક્યતા હોવાથી ટુ-વ્હીલર ધારકોને આ લાભ થશે. આ મુદ્દે કેન્દ્ર સરકારે આગેવાની લીધી છે.
ટુ-વ્હીલર ખરીદ્યા બાદ થર્ડ પાર્ટી વીમો લેવાનું હવે ફરજિયાત કરાયું હોઈ આ માટેના વીમા પેટેની રકમ પર હાલ 18 ટકા જીએસટી વસૂલ કરાય છે. જોકે તેમાં ઘટાડો કરવાની સૂચના કેન્દ્ર સરકારે જીએસટી પરિષદને આપી હોવાનું જણાય છે. આ મુદ્દો પીએમઓના ધ્યાનમાં લાવવામાં આવ્યા બાદ યોજાયેલી એક બેઠકમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટુ-વ્હીલર માટે વીમો લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું જણાયા બાદ સરકાર જીએસટીમાં ઘટાડો કરવા પ્રયત્નશીલ બની છે. એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ચાલુ મહિનાના ઉત્તરાર્ધમાં જીએસટી પરિષદની બેઠક યોજવાની હોઈ તેમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાવાની શક્યતા છે. થર્ડ પાર્ટી વીમાની રકમ સંપૂર્ણપણે માફ કરવાની માગણી ટ્રકમાલિકોનાં સંગઠને સરકાર સમક્ષ કરી છે જેના પર સરકારે એવું આશ્વાસન આપ્યું છે કે આ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવામાં આવશે. દરમિયાન આ મુદ્દે અખિલ ભારત વૉટર ટ્રાન્સપોર્ટ યુનિયનના અધ્યક્ષ બાલ મલકિત સિંઘે જણાવ્યું હતું કે `સરકાર અમારી માગણી પર ગંભીરતાપૂર્વક વિચારણા કરશે એવી અમને આશા છે. સરકાર ટ્રક પરના વીમાના હપ્તામાં રૂા. 5000થી રૂા. 7000 સુધી કપાત કરશે તો તે પણ અમારા માટે મોટો દિલાસો થશે,' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer