થાણે-દિવાની પાંચમી-છઠ્ઠી લાઇન માટે પ્રવાસીઓએ 2020 સુધી રાહ જોવી પડશે

મુંબઈ, તા. 8 : થાણે-દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન પૂરી કરવા માટે મધ્ય રેલવેએ પોતે જૂન 2019 સુધીની ડેડલાઇન આપી છે. જોકે આ રેલવેની ચોથી ડેડલાઇન છે, પરંતુ એ બન્ને રેલવેલાઇન પર લોકલ ટ્રેન માર્ચ 2020 સુધીમાં શરૂ થઈ શકશે એવું સંબંધિત અધિકારીઓ કહી રહ્યા છે એટલે પ્રવાસીઓએ હજી એ સેવા માટે વધુ દોઢ વર્ષ રાહ જોવી પડશે.
મધ્ય રેલવે માટે માથાનો દુખાવો બની રહેલા થાણે-દિવા પટ્ટા પરની પાંચમી-છઠ્ઠી રેલવેલાઇન માટે પ્રવાસીઓએ લગભગ માર્ચ 2020 સુધી રાહ જોવી પડશે. જો મુંબઈ રેલવે વિકાસ મહામંડળે આ પ્રોજેક્ટ માટે જૂન 2019 સુધી કામ પૂરું કરવાની નવી ડેડલાઇન નક્કી કરી હોય તો પણ `ગ્રાઉન્ડ રિપોર્ટ' કહે છે કે કદાચ, 2020ના માર્ચ સુધી આ કામ પૂરું થઈ શકે એવાં ચિહ્નો જણાઈ રહ્યાં છે.
100 લોકલ ટ્રેનો વધારી શકવાની ક્ષમતા
આશરે 100 લોકલ ટ્રેનોના ફેરા વધારવાની ક્ષમતાવાળી થાણે-દિવાની પાંચમી-છઠ્ઠી રેલવેલાઇન છેલ્લાં 10 વર્ષથી રખડી રહી છે. જોકે અત્યારે લગભગ 70 ટકા કામ પૂરું થયું હોવાનો દાવો મુંબઈ રેલવે વિકાસ મહામંડળે કર્યો છે, પણ પ્રત્યક્ષ રીતે જોતાં પરિસ્થિતિ અલગ જ દેખાય છે. થાણે-દિવા પ્રોજેક્ટ માટે આશરે 1.2 કિલોમીટર લાંબો રેલવે-બ્રિજ બનાવવાની જરૂર છે અને એને તૈયાર થતાં સહેજેય 6 મહિના જેટલો સમય લાગશે.
રેલવે-બ્રિજ બનાવાતાં આશરે 300થી 400 મીટર વિસ્તારમાંનાં મૅન્ગ્રોવ્ઝનો નાશ થશે. અત્યારે મૅન્ગ્રોવ્ઝ-પ્રકરણ કોર્ટમાં ચાલી રહ્યું છે. જોકે રેલવેલાઇન બેસાડવામાં આવ્યા બાદ એના પર ઇલેક્ટ્રિક લાઇન ગોઠવવામાં આવશે.
રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે `મુંબઈના રેલવે પ્રોજેક્ટ માટે બેઠક યોજાઈ હતી. અનેક વર્ષોથી રખડી રહેલો થાણે-દિવા વચ્ચેની પાંચમી-છઠ્ઠી લાઇનનો પ્રોજેક્ટ વહેલી તકે પૂરો કરી ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે. એ શરૂ થતાં અસંખ્ય પ્રવાસીઓને રાહત થશે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer