મોટાં બિલ મોકલવામાં તાતા અને મહાવિતરણ પણ પાછળ નથી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : પરાં વિસ્તારમાં વીજગ્રાહકોને અદાણી ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી વીજળીનાં બેફામ બિલો મળતાં હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. સરકારે આ વાતની ગંભીર નોંધ લીધી છે અને રાજ્યના વીજ નિયંત્રણ - મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી)એ વિતેલા મહિનામાં જે લોકોને વીજળીનાં બિલોમાં અચાનક વધારો કરાયાની ફરિયાદને ધ્યાનમાં લઇને ગ્રાહકોને રિફંડ આપવા અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડને જણાવ્યું છે. જન્મભૂમિના ઘણા વાચકોએ અદાણી તરફથી બિલમાં બેફામ વધારો કરાયાની ફરિયાદો મોકલી છે.
અમારું બજેટ ખોરવાઈ ગયું
બોરીવલી (પ.)માં રહેતાં દિવાબેન એન. પટેલના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ એનર્જીએ તેમને 7/8/2018ના રૂપિયા 1510નું વીજ બિલ મોકલ્યું હતું. હવે અદાણી ઇલેક્ટ્રિસિટીએ તેમને 8-10-2018ના રૂપિયા 2080નું વીજબિલ મોકલ્યું છે અગાઉ કરતાં 500થી 700 રૂપિયા વધારે બિલ આવતાં અમારા જેવા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જાય છે.
મોટી રકમનાં બિલો આવે છે
ઘાટકોપર (પૂર્વ)ના કૌશલ લાલન જણાવે છે કે, તેમને અગાઉ આવતા હતા તેના કરતાં હવે મોટી રકમના વીજબિલો આવવા લાગ્યાં છે. અદાણી ઇલેક્ટ્રિસિટીએ તેમને 1-11-2018નું રૂપિયા 2190નું  બિલ મોકલ્યું છે જે ઘણું જ વધુ છે.
બિલની રકમ ડબલ થઈ ગઈ
દહિસર (ઈ.)માં રહેતા સુરેશ વૃજલાલ સાદરાણી જણાવે છે કે, તેમને અગાઉ દર મહિને લઘુતમ બિલ આવતું હતું. પરંતુ જ્યારથી અદાણી ઇલેક્ટ્રિસિટીના બિલની રકમ ડબલ થઈ ગઈ છે.
તાતા પાવર પણ પાછળ નથી
તાતા પાવર દ્વારા પણ બમણા વીજબિલ મળ્યાની ફરિયાદ ઊઠી છે. કાંદિવલી (પ.)ના જવાહર બી. ગોરડિયા જણાવે છે કે તેમને જાન્યુઆરી 2018ના તાતા પાવરે રૂા. 671નું બિલ મોકલાવ્યું હતું જ્યારે નવેમ્બર 2018માં રૂપિયા 1205નું બિલ મોકલાવ્યું હતું. આમ બમણું બિલ મોકલવામાં આવ્યું હોવાની તેમણે ફરિયાદ કરી હતી.
સિક્યોરિટી ડિપૉઝિટ આડેધડ પદ્ધતિ
સાંતાક્રુઝ (પશ્ચિમ)ના વીજગ્રાહક સુકન્યા એ. દેસાઈ તાતા પાવર દ્વારા સમય સમય પર લેવાતી અન્યાયી સિક્યોરિટી ડિપૉઝિટ અંગે ફરિયાદ કરે છે. આ બાબતમાં તાતા પાવર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવતો નહીં હોવાની પણ તેમણે ફરિયાદ કરી છે.
મહાવિતરણે ત્રણ ગણું બિલ મોકલ્યુ
દરમિયાન વિરારના રહેવાસી ઘનશ્યામ ભરૂચાએ એવી ફરિયાદ કરી છે કે, તેમને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (મહાવિતરણ)એ ત્રણ ગણું બિલ મોકલાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમને સામાન્ય રીતે દર મહિને રૂપિયા 1700 સુધીનું બિલ આવે છે તે આ વખતે રૂપિયા 4200નું બિલ આવ્યું છે.
ટેરિફ નિયમોનું પાલન કરીશું : અદાણી
મુંબઈ, તા. 8 : અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (એઈએમએલ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,એઈએમએલ તેના ગ્રાહકો પ્રત્યે પ્રતિબદ્ધ છે અને એમઈઆરસી દ્વારા નિર્ધારિત કરાયેલા તમામ સૂચનો અને ટેરિફ નિયમોનું પાલન કરતું રહેશે. અમે એમઈઆરસી દ્વારા નિયુક્ત ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીને લઇને પૂરી રીતે નિખાલસ અને પારદર્શી છીએ. અમે જે ગ્રાહકોને બિલ સંબંધી ફરિયાદો છે તેમને પ્રતિક્રિયા આપવાનું ચાલુ રાખશું.
રિપોર્ટ જાહેર કરો : મનસે
મુંબઈ, તા. 8 : અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડનું વીજળીનું બિલ વધુ આવે છે, તેની તપાસ માટે મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યેટરી કમિશન દ્વારા બે સભ્યોની ફૅક્ટ ફાઈન્ડિંગ કમિટી નીમવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવે એવી માગણી મનસેએ કરી છે. મનસેએ એવું પણ કહ્યું છે કે, કમિટીના બન્ને સભ્યોની વિગતો જાહેર કરવામાં આવશે.  તેમ જ તેઓ કોઈ ખાનગી કંપની સાથે જોડાયેલા છે કે નહીં તે પણ જણાવવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer