વડા પ્રધાન મોદી કયા પ્રકારના હિન્દુ છે : રાહુલે છેડયો વિવાદ

વડા પ્રધાન મોદી કયા પ્રકારના હિન્દુ છે : રાહુલે છેડયો વિવાદ
મનમોહન સરકારે ત્રણ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી છતાં વાત ગુપ્ત રખાઈ, મોદીએ સૈન્ય કાર્યવાહીને રાજકીય શત્ર બનાવ્યાનો આક્ષેપ
 
ઉદયપુર/જોધપુર, તા. 1 (પીટીઆઈ) : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદયપુરમાં કારોબારીઓને સંબોધન કર્યું હતું. જેમાં સર્જીકલ સ્ટ્રાઈકને લઈને સેનાનાં ક્ષેત્રમાં મોદી સરકારની દરમિયાનગીરી ઉપર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, પીએમ નરેન્દ્ર મોદીએ સેનાનાં કાર્યક્ષેત્રમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. તેમણે સર્જીકલ સ્ટ્રાઈકને એક રાજકીય મુદ્દો બનાવ્યો હતો. વધુમાં રાહુલે એવો દાવો પણ કર્યો હતો કે, મોદી સરકારની જેમ મનમોહન સિંહે 3 વખત સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી પરંતુ આ કાર્યવાહીને ગુપ્ત રાખી હતી. 
ઉદયપુરમાં કારોબારીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને હિન્દુ કહે છે પણ હિન્દુ ધર્મનો અર્થ સમજતા નથી. તેના ઉપર સવાલ થાય છે કે મોદીજી કઈ રીતે હિન્દુ છે. રાહુલ ગાંધીએ સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે કહ્યું હતું કે, પીએમ સેનાથી પણ વધારે સૈન્ય કાર્યક્ષેત્રની માહિતી રાખે છે. વિદેશમંત્રીથી પણ વધારે વિદેશ મંત્રાલયને જાણે છે. હકીકતમાં મોદીજીને લાગે છે કે તમામ જ્ઞાન તેઓમાં જ છે. રાહુલ ગાંધીએ એવો આરોપ પણ મુક્યો હતો કે, વડાપ્રધાને સેનાના કાર્યક્ષેત્રમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. મનમોહન સિંહના કાર્યકાળમાં ત્રણ વખત સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. 
સેના મનમોહન સિંહ સમક્ષ પાકિસ્તાનને જવાબ આપવાની મંજૂરી માટે આવી હતી પરંતુ આ પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી હતી પરંતુ વડાપ્રધાન મોદીએ સર્જીકલ સ્ટ્રાઈકને એક રાજકીય મુદ્દો બનાવ્યો હતો. હકીકતમાં આ એક મિલિટરી નિર્ણય હતો. દેશમાં શિક્ષણ સંસ્થાઓ ઉપર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રાઈવેટ સેક્ટરમાં શિક્ષણ સંસ્થાઓ વધુ સારી છે તે બાબત કાલ્પનિક છે. હકીકતમાં સરકારી સંસ્થાઓ અને સ્વાસ્થ્ય સેવા વિના દેશને ચલાવી શકાય નહીં. આ સાથે કારોબારીઓને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો ભારતમાં 10-15 વર્ષ સારી સરકાર આવે તો ભારત ચીનને પણ પછાડીને આગળ નીકળી જશે.
 રાહુલે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં હાર સામે દેખાઈ ત્યારે મોદીએ લશ્કરી સંપત્તિના નિર્ણયને રાજકીય સંપત્તિમાં ફેરવી દીધો હતો. ભાષણમાં ભાજપ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, મનમોહનાસિંહ સરકારના ગાળામાં ત્રણ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. અમે લશ્કરી મામલમાં સેનાની વાત સાંભળીએ છીએ. તેમની વાતમાં વિશ્વાસ કરીએ છીએ જ્યારે રાજકીય મામલાઓમાં તેને પ્રવેશ કરવા દેતા નથી પરંતુ વડાપ્રધાને સેનાના અધિકાર ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને તેમની સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય સંપત્તિમાં ફેરવી કાઢી છે. હકીકતમાં એક લશ્કરી નિર્ણય હતો. 
ગાંધીએ કહ્યું હતું કે, મોદીને એવું લાગે છે કે, દુનિયામાં તમામ જ્ઞાન તેમની પાસે જ આવે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, બેંકોને બાકી દેવાને લઇને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer