ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કાર્યવાહીમાં સહકાર જરૂરી : મોદી

ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કાર્યવાહીમાં સહકાર જરૂરી : મોદી
જી-20 શિખર પરિષદમાં નવ સૂચિત એજન્ડાનો આપ્યો કૉલ
 
બ્યુઓનેસ એરિસ, તા. 1 : અહીં જી-20 શિખર બેઠક દરમ્યાન ભારતે `જય' (જેએઆઇ : જાપાન-અમેરિકા-ઇન્ડિયા)નો નારો આપ્યો હતો.  ઐતિહાસિક રીતે ભારત-જાપાન અને અમેરિકા વચ્ચે પહેલી વાર ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ત્રણેય દેશો એ બાબતે સંમત થયા હતા કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સમૃદ્ધિ અને શાંતિ માટે મુકત, ખુલ્લું અને સંયુકત તથા નિયમ આધારિત વ્યવસ્થા જરૂરી છે. સંમેલન દરમ્યાન ત્રણેય દેશોના નેતાઓએ એકબીજા સાથે બેઠક કરી હતી.
એશિયા પ્રશાંત ક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપિત કરવાના ચીનના પ્રયાસોની વચ્ચે ત્રિપક્ષીય બેઠક મહત્ત્વની બની રહી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશોના સંબંધો વુહાન પરિષદ પછી નોંધપાત્ર રીતે સુધર્યાનું નિવેદન કર્યું હતું.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ જી-20 શિખર સંમેલન દરમ્યાન એક સારી દોસ્તાના બેઠક કરી હતી અને મોદીએ બેઠક બાદ ટ્વિટ કર્યું કે, `જય (જાપાન, અમેરિકા, ભારત) ત્રિપક્ષીય બેઠક ત્રણ મિત્ર રાષ્ટ્રોની એકજૂટતાનું પ્રતીક છે. આજનું ઐતિહાસિક શિખર સંમેલન એ શાનદાર શરૂઆત છે.
અત્રે જી-20 શિખર પરિષદમાં ભારતે આજે નવ મુદ્દાનો એજન્ડા રજૂ કરતાં ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કાર્યવાહી કરવા `મજબૂત અને સક્રિય સહકાર'નો કોલ આપ્યો હતો.
શુક્રવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે અહીં જી-20 શિખર પરિષદના બીજા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ટ્રેડ, ઇન્ટરનેશનલ ફાયનાન્શીયલ અને કર માળખાં વિશે એજન્ડા રજૂ કર્યો હતો. આ એજન્ડામાં ગુના સામેની પ્રક્રિયામાં અસરકારક જપ્તી પ્રક્રિયા, ગુનેગારોને ત્વરિત સોંપી દેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતે એવી યંત્રણા ગોઠવવાનો કોલ આપ્યો હતો કે, જેમાં ભાગેડુ આર્થિક ગુનેગારોને માટે દેશો સ્વર્ગ બનતા રોકાય અને પ્રવેશ જ ન મળે.
તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેઇન્ટસ કરપ્શન (યુએનસીએસી), યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેઇન્ટસ ટ્રાન્ઝેશનલ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (યુએનઓટીસી)ના ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સહકાર સંબંધી સિદ્ધાંતોનું અસરકારક પાલન કરવામાં આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer