મીઠી નદીને શુદ્ધ કરવાનો પડકાર મહારાષ્ટ્ર સરકારે ઉઠાવવો જોઈએ : ગડકરી

મીઠી નદીને શુદ્ધ કરવાનો પડકાર  મહારાષ્ટ્ર સરકારે ઉઠાવવો જોઈએ : ગડકરી
`મુંબઈ 2.0 કૉન્ફરન્સ'માં સુરેશ પ્રભુએ કહ્યું કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસતાં હાઉસિંગ ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલાશે
મુંબઈ, તા. 1 : મીઠી નદી અને દરિયાકિનારાના દૂષિત પાણીનું શુદ્ધીકરણ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી અને મુંબઈનો દરિયાકાંઠો તથા મીઠી નદીને શુદ્ધ કરવાનો પડકાર મહારાષ્ટ્ર સરકારે ઉઠાવવો જોઈએ, એમ કેન્દ્રના પરિવહન અને જળ સ્ત્રોત તેમ જ ગંગા શુદ્ધીકરણ વિભાગના પ્રધાન નીતિન ગડકરીએ આજે અહીં જણાવ્યું હતું. પ્રોજેક્ટ મુંબઈ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈમાં આયોજિત `મુંબઈ 2.0 કૉન્ફરન્સ'માં ગડકરી ઉપરાંત કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુ, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પાલિકાના કમિશનર અજોય મેહતા તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તન્ડુલકર પણ હાજર હતા.
ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય અને પરિવહન યોજનાઓ તૈયાર કરી છે અને કેટલીય યોજનાઓનું કામ પણ ચાલી રહ્યું છે. બન્ને સરકારોએ પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય આપીને જ આવી યોજના તૈયાર કરી છે. મુંબઈમાં વૉટર ટ્રાન્સપોર્ટ વિકસિત કરવા પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનાથી શહેરની ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા કાબૂમાં આવશે. નવી પરિવહન સિસ્ટમથી રોજગારીમાં પણ વધારો થશે. જોકે શહેરની સમસ્યારૂપ જૂની ગટર સિસ્ટમ નવી રીતે ડિઝાઇન કરવાની જરૂર છે.
મીઠી નદીમાં પણ પરિવહન શરૂ કરી શકાય છે એને કારણે પાણીના પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાય છે, કેમ કે વૉટર ટ્રાન્સપોર્ટમાં વપરાતું બળતણ ઇકો-ફ્રેન્ડ્લી હોય છે. ગડકરીએ જણાવ્યું હતું કે હાલમાં દર વર્ષે 80 ક્રૂઝ મુંબઈ સુધી આવે છે અને ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આગામી બેથી ત્રણ વર્ષમાં મુંબઈ સુધી 950 ક્રૂઝ આવશે એટલે 20થી 30 લાખ પર્યટકો શહેરમાં આવશે જેને કારણે શહેરને આર્થિક ફાયદો થશે. 
મુંબઈકર તરીકે કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુએ આ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિશ્વના ઈઝ અૉફ ડૂઇંગ રૅન્કમાં ભારતે હરણફાળ ભરી છે અને એમાં મુંબઈનો મોટો ફાળો રહ્યો છે. તમામ વિકાસ યોજનાઓ તૈયાર થયા બાદ શહેરની તમામ ક્ષેત્રની ક્ષમતાઓમાં જબ્બર વધારો થશે એ સમજી શકાય છે. એક મુંબઈગરા તરીકે કહું તો મુંબઈના આત્માને આપણે જાળવી રાખીશું અને આપણા સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. જો શહેરમાં પરિવહન સુવિધાઓ વધશે તો સ્ટેશનોથી દૂરના વિસ્તારોમાં પણ લોકોની અવરજવર સરળ બનશે અને એથી શહેરની ગૃહનિર્માણની સમસ્યા ઉકેલવામાં મદદ મળશે અને એથી હાઉસિંગ માટે જગ્યાની અછત દૂર થશે. શહેરમાં હેલિકૉપ્ટર સહિતની સર્વિસ માટે પણ અમે વિચારી રહ્યા છીએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer