અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશનું નિધન

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશનું નિધન
વોશિંગ્ટન, તા. 1: અમેરિકાના 41મા પ્રમુખ જ્યોર્જ હર્બર્ટ વોકર બુશ (94)નું આજે નિધન થયું હતું. અગ્રીમ હરોળના યુદ્ધનાયકમાંથી ઓઈલમેન અને તેમાંથી રાજદ્વારી થયેલા જ્યોર્જ બુશ સીનિયર દેશને શીતયુદ્ધની આરપાર સાંગોપાંગ પાર ઉતારનાર અમેરિકી પ્રમુખ બની રહ્યા,  તેમના રાજકીય વારસાની ફળશ્રુતિરૂપે તેમના પુત્ર ય વ્હાઈટ હાઉસમાં વિજયી થયા- બે મુદત માટે પ્રમુખ બન્યા. જ્યોર્જ ડબ્લ્યુ. બુશે પિતાને `સર્વોચ્ચ ચારિત્ર્યવાન માનવી' ગણાવ્યા હતા. ગયા એપ્રિલમાં, 73 વર્ષના લગ્નજીવન બાદ તેમના પત્ની પૂર્વ ફર્સ્ટ લેડી બાર્બરા બુશનું અવસાન થયું હતું. તેમના બીજા પુત્ર જેબ ફલોરિડાના ગવર્નર રહેલા.
41મા પ્રમુખની વિચક્ષણ વિદેશ નીતિએ અમેરિકાને '89માં સોવિયેત સંઘના તોફાની છતાં એકંદર શાંતિપૂર્ણ પતનના કપરા સંજોગોમાંથી પાર ઉતાર્યું અને બે વર્ષ બાદ ઈરાકના બળુકા નેતા સદ્દામ હુસૈનને પરાસ્ત કરવા તેઓ અભૂતપૂર્વ સંગઠન રચી શકયા. એક જ મુદત માટે પ્રમુખપદ પામી શકયા અને નબળા અર્થતંત્રની સ્થિતિમાં તેમને બીજી મુદત નકારાઈ. 
અમેરિકાએ દેશભક્ત અને નમ્ર સેવક ગુમાવ્યા છે, આજે આપણા હૈયા ભારે છે પણ કૃતજ્ઞતાસભર છે એમ પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer