એચ 1-બી વિઝાના નિયમો વધુ સખત કરવા અમેરિકાની તૈયારી

એચ 1-બી વિઝાના નિયમો વધુ સખત કરવા અમેરિકાની તૈયારી
ભારતીયો થશે સૌથી વધુ પ્રભાવિત: વિદેશી કર્મચારી નિયુક્ત કરનારી કંપનીઓએ અગાઉથી નોંધાવવી પડશે વિઝા અરજી

વોશિંગ્ટન, તા. 1: ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે એચ 1-બી આવેદન પ્રક્રિયામાં અમુક મોટા ફેરફારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવિત નવા નિયમ પ્રમાણે કંપનીઓને હવે એડવાન્સમાં પોતાની અરજીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેનો હેતુ અમેરિકાના લોકપ્રિય વર્ક વિઝા માત્ર કુશળ અને સૌથી વધુ વેતન ધરાવતા વિદેશી કર્મચારીને જ મળે તેવો છે. ભારતીય આઈટી કંપનીઓમાં એચ1-બી વિઝા સૌથી વધુ લોકપ્રિય છે. તેવામાં નવા નિયમોની સૌથી વધુ અસર ભારતીયોને પડશે. 
અમેરિકી સંસદે એક વર્ષમાં એચ1-બી વિઝાની મહત્તમ મર્યાદા નક્કી કરી રાખી છે. તેના પ્રમાણે એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 65,000 એચ1-બી વિઝા જારી થઈ શકે છે. જો કે અમેરિકાથી જ માસ્ટર ડિગ્રી લેનારા કે ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદેશીઓ માટે વાર્ષિક 20,000 એચ 1-બી વિઝા જારી કરવામાં આવે છે. નવા નિયમો પ્રમાણે યુએસસીઆઈએસ પાસે અધિકાર રહેશે કે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા આવેદકોને 65,000 વિઝા લિમિટમાંથી છૂટ આપી શકાશે કે નહીં. નવા નિયમો માટે શુક્રવારે નોટિસ પણ જારી કરવમાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એચ1-બી વિઝા ઉપર વિદેશી વર્કરોની નિયુક્તિ કરનારી કંપનીઓએ એડવાન્સમાં યુએસસીઆઈએસ ઉપર નોંધણી કરાવવાની રહેશે. એટલે કે નિયત સમયમાં કેટલી અરજી કરવામાં આવશે તે અગાઉથી જ સ્પષ્ટ કરવાનું રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer