ભારત પરત ફરતા નીરવ મોદીને મૉબ લિન્ચિંગ થવાનો ભય

ભારત પરત ફરતા નીરવ મોદીને મૉબ લિન્ચિંગ થવાનો ભય
સીબીઆઈએ મોકલેલા ઈ-મેઈલમાં બૅન્ક છેતરપિંડીના આરોપીએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

મુંબઈ, તા. 1: દેશની સૌથી મોટી બેન્ક છેતરપિંડીના આરોપી કારોબારી નિરવ મોદીએ સીબીઆઈને એક ઈ મેઈલ મોકલ્યો છે. જેમાં ભારત પરત ફરવાની સ્થિતિમાં મોબ લિન્ચિંગની ભીતિ વ્યક્ત કરી છે. આટલું જ નહીં પત્રમાં સીબીઆઈનાં દબાણના કારણે આપઘાત કરાવનારા અધિકારી ડીજી બંસલનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
નિરવ મોદીના વકીલ વી. અગ્રવાલે કહ્યું હતું કે, પીએમએલએ કોર્ટમાં નિરવ મોદીને ભાગેડુ સાબિત કરવા માટે કાર્યવાહી થઈ હતી. વકીલના કહેવા પ્રમાણે ઈડીએ માગણી કરી હતી કે સંદેહાસ્પદ સ્થિતિમાં ભારત છોડવાના કારણે નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવો જોઈએ. બીજી તરફ નિરવ મોદી તરફથી વકીલે દલીલ કરી હતી કે નિરવ મોદીએ માન્ય પાસપોર્ટ અને વિઝાના આધારે ભારત છોડયું હતું અને તે સમયે નિરવ મોદી ઉપર એનપીએ હતી નહીં. નિરવના ઈ મેઈલની જાણકારી આપતા વકીલે કહ્યું હતું કે, સીબીઆઈને મોકલેલા ઈ મેઈલમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને ભારતમાં મોબ લિન્ચિંગની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત પોતાને કોઈપણ કારણ વિના બેન્ક છેતરપિંડીનો પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો હોવાનું પણ કહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer