સુરતમાં યોગગુરુ પ્રદીપજીનો આત્મહત્યાનો પ્રયાસ

સુરતમાં યોગગુરુ પ્રદીપજીનો આત્મહત્યાનો પ્રયાસ
સ્યૂસાઇડ નોટમાં દસ સાધકોનો નામોલ્લેખ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 1 : અત્રેથી નજીક  કામરેજ ધોરણ પારડી પાસે સત્યમ યોગ ફાઉન્ડેશન યોગ આશ્રમ ચલાવતા યોગગુરુ પ્રદીપજીએ ગત રાત્રે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ  કર્યો છે.  પ્રદીપજીને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓની તબિયત સ્થિર છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોસાયટીઓમાં અને ખુલ્લી જગ્યામાં યોગ શિબિર કરીને  લોકોને માનસિક તણાવમાંથી મુકત કરાવવાનું કામ કરતા યોગગુરુ પ્રદીપજીએ ગઇ રાત્રે સાત પાનાની સ્યૂસાઇડ નોટ લખી અને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. 
આ અંગે તેમના પરિવારને જાણ થતા તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં  આવ્યા હતા. પ્રદીપજીએ સ્યૂસાઇડ નોટ લખી છે. જેમાં દસ સાધકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
આ તમામ દસ સાધકોએ સુરત નજીકના કામરેજ ધોરણ પારડી ખાતે આશ્રમ માટે ખરીદાયેલી જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ મૂકવામાં  આવ્યો છે. વધુમાં એવું પણ લખ્યું છે કે જયારે હું ભાડાની જગ્યા અથવા તો સોસાયટીમાં જઇને લોકોને યોગ શીખવતો હતો. ત્યારે કેટલાક સાધકોએ આશ્રમ બનાવવા માટે જમીન ખરદીવાનું જણાવ્યું હતું. તેમ જ તેના માટે આર્થિક સહાય કરીને જયારે પણ થાય ત્યારે રૂપિયા પરત આપવાનું કહ્યું હતું. આ લોકોના પર ભરોસો રાખીને જયારે જમીન રાખી ત્યાર બાદ તેઓ ફરી ગયા હતા તેમણે રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી.  રૂપિયા નહીં આપે તો આશ્રમની જમીન વેચીને પણ વસુલવાની  ધાકધમકી આપી હતી. 
આ ઉપરાંત કેટલાક સાધકો દ્વારા યેગ ગુરુને સોશિયલ મીડિયામાં બદનામ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવતા હતા. સતત માનસિક ત્રાસ આપતા આ લોકોએ યોગગુરુના પત્નીને પણ બદનામ  કરવા માટે તેમના ચારિત્ર્ય અંગે ગમે તેવી પોસ્ટ કરી હતી તમામ તરફથી ઘેરાયેલ  યોગગુરુએ આખરે કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer