હિન્દુત્વનો અર્થ હવે રાહુલ ગાંધી પાસેથી જાણવો પડશે : સુષમા સ્વરાજ

નવી દિલ્હી, તા. 1: રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જયપુરમાં પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસેથી જાણવું પડશે કે હિન્દુત્વનો ખરો અર્થ શું છે. અગાઉ રાહુલ ગાંધીની છબી ધર્મનિરપેક્ષ વ્યક્તિ તરીકેની હતી પરંતુ ચૂંટણી નજીક આવતાની સાથે પોતે હિંદુ હોવાનું યાદ આવ્યું છે. આ ઉપરાંત પણ અન્ય નિવેદનોને લઈને સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધી ઉપર નિશાન તાક્યું હતું.
હનુમાનજી દલિત હતા તેવા યોગી આદિત્યનાથનાં નિવેદન ઉપર સ્વરાજે કહ્યું હતું કે, યોગી આદિત્યનાથનાં નિવેદનને યોગ્ય રીતે સમજવામાં આવ્યું નથી. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, રાજસ્થાન પહોંચતા પહેલા તેમણે યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી, કારણ કે યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં જ હનુમાનજી ઉપર નિવેદન આપ્યું હતું. સુષ્મા સ્વરાજે યોગી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, યોગીના મતે તેમનું છેલ્લું વાક્ય કોઈએ ધ્યાને લીધું નહોતું. જેમાં હનુમાનજી પોતે વનવાસી હોવાનું અને તેઓ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ લોકોને જોડવાનું કામ કરતા હોવાની વાત કરવામાં આવી હતી. જો કે યોગી આદિત્યનાથનાં નિવેદનની ખૂબ ટીકા થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer