સાવધાન! તમે ખરીદો છો એ ચોખા ખરેખર વાડા કોલમ છે? ચેક કરી લેજો

દક્ષિણનાં રાજ્યોમાં પકવેલા ચોખાને વાડા કોલમમાં ખપાવાય છે!

મુંબઈ, તા. 1 : ખુશ્બૂદાર વાડા કોલમ ચોખા ખાવાના તમે શોખીન હો તો સાવધાન! તમે એ ખરીદો એ પહેલાં ખાસ કાળજી રાખજે, કારણ કે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં પાકેલા કોલમ ચોખા તમને વાડા કોલમના નામે પધરાવી દેવાય એવી ઘણી શક્યતા છે.
મુંબઈના પાડોશી જિલ્લા પાલઘરના વાડા તાલુકાના કોલમ ચોખા મુંબઈગરાઓમાં ખૂબ પ્રિય છે અને એ વાડા કોલમના નામે ઓળખાય છે.
રાજ્ય વિધાનસભાની બેઠકમાં ગુરુવારે લાતુરના વિધાનસભ્ય અમિત વિલાસરાવ દેશમુખના પ્રશ્નના લેખિત ઉત્તરમાં કૃષિપ્રધાન ચંદ્રકાંતદાદા પાટીલે એ વાતનો એકરાર કર્યો હતો કે અન્ય રાજ્યોમાં ઉત્પાદિત થયેલા ચોખાને વાડા કોલમ તરીકે વેચવામાં આવી રહ્યા છે એ અંગેની ફરિયાદની રાજ્ય સરકાર તપાસ કરી રહી છે. આ બાબતે તપાસ કરીને અહેવાલ સુપરત કરવાનો આદેશ અપાયો છે.
દેશમુખે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં પાકતા ચોખાને લોકપ્રિય વાડા કોલમનું નામ આપીને વેચવામાં આવી રહ્યા છે કે નહીં? વાડા કોલમ માત્ર મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ નહીં, અમેરિકા સુધી વેચાય છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે બનાવટી ચોખાને અસલી કોલમ તરીકે વેચવામાં આવી રહ્યા હોવાથી વાડા કોલમની જાત જ લુપ્ત થઈ જશે, કારણ કે એને ધાર્યા ભાવ નહીં મળે.
વાડા કોલમ એ ચોખાની એવી જાત છે જે માત્ર વાડા તાલુકામાં જ પાકે છે.
હવે ઉત્પાદનખર્ચ વધતો જતો હોવાથી ખેડૂતોને ભારે આર્થિક મુશ્કેલી ભોગવવી પડે છે અને જે લોકો વાડા કોલમના સ્વાદથી પરિચિત નથી. તેઓ અન્ય રાજ્યના કોલમને વાડા કોલમ સમજી બેસે છે એમ વાડાના એવૉર્ડ વિજેતા ખેડૂત અને કૃષિ પેદાશોના ભાવ માટેના રાજ્ય કમિશનના સભ્ય અનિલ પાટીલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અમે આ ચોખા માટે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેટર (જીઆઇ) ટૅગ મેળવવાની માગણી કરી રહ્યા છીએ.
હાલ વાડા તાલુકામાં લગભગ 2000 હેક્ટર જમીનમાં વાડા કોલમનું વાવેતર થાય છે અને એક એકરે સરેરાશ 30 ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે.
પાટીલે કહ્યું હતું કે વાડા કોલમ અૉર્ગેનિક છે, કારણ કે એના ઉત્પાદન માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં
આવતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer