લખનૌ, તા.1 : લગ્નોની સીઝન શરૂ થવામાં છે ત્યારે લોકોએ મનગમતા લગ્નહોલ કે ગેસ્ટહાઉસમાં આગોતરા રૂપિયા આપીને બુકિંગ કરાવી છે પરંતુ પ્રયાગરાજ નગરીની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારના એક ફરમાને અહીંના લોકોને ચિંતામાં મૂકી દીધા છે. યુપી સરકાર દ્વારા જારી શાસનાદેશમાં આવતા વર્ષે 2019માં યોજાનારા કુંભના મહત્ત્વના સ્નાનોને કારણે ત્યાં યોજનારા લગ્નો પર રોક લગાવવામાં આવી છે.
યુપી સરકારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારા કુંભમેળાના પ્રમુખ સ્નાનો દરમ્યાન એક દિવસ પહેલાં અને એક દિવસ પછી કોઈ લગ્ન સમારોહ યોજી શકાશે નહીં.
આ આદેશ પ્રયાગરાજના તમામ લગ્ન હોલને આપવામાં આવ્યા છે જેમને તે સમયની તમામ બુકિંગ રદ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.