પશ્ચિમ એક્સ્પ્રેસના પાર્સલના ડબામાં 8 મહિનામાં પાંચ ચોરી

લાખોનો માલ ગાયબ  

રામગંજ મંડીથી સવાઈમાધોપુર જંક્શન વચ્ચે ચોરીઓ થઈ રહી છે 

મુંબઈ, તા. 1 : મુંબઈથી દિલ્હી જઈને અમૃતસર જતી પશ્ચિમ એક્સ્પ્રેસ ટ્રેનમાં એપ્રિલથી અત્યાર સુધી પાંચ વાર ચોરીઓ થઈ ચૂકી છે, છતાં ચોરો પોલીસના હાથમાં નથી આવ્યા, આ ચોરીઓ દોડતી ટ્રેનમાં થઈ રહી છે અને તેના માટે ગૅસ કટર જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કિસ્સાઓમાં આરપીએફ અને જીઆરપી હજી સુધી માત્ર જોઇન્ટ નોટ તૈયાર કરતી રહી છે. પાર્સલના ડબામાંથી લાખોના માલની ચોરી થઈ રહી છે.
આ ટ્રેનો રાતે રતલામ અને કોટા ડિવિઝનમાંથી પસાર થાય છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રામગંજ મંડીથી સવાઈમાધોપુર જંક્શન વચ્ચે મોટા ભાગે ટ્રેનોમાં ચોરીઓ થઈ રહી છે. પશ્ચિમ એક્સ્પ્રેસ રામગંજ મંડી રાતે 1.08 વાગ્યે, કોટા રાતે 2.10 વાગ્યે અને સવાઈમાધોપુર વહેલી સવારે 3.48 વાગ્યે આવે છે. કહેવાય છે કે આમાંથી બે સ્ટેશનોની વચ્ચે ચોરો આરામથી પાર્સલ ડબામાં સાથે જોડાયેલા ગાર્ડ વૅનમાં ઘૂસે છે. આ ડબામાં કોઈ વ્યક્તિ નથી હોતી.
પશ્ચિમ એક્સ્પ્રેસના જે પાર્સલ ડબામાં ચોરીઓ થઈ રહી છે તેને પાંચ વર્ષ માટે ઍરવાઇડ કાર રેન્ટ કંપનીને લીઝ પર આપવામાં આવ્યો છે. આ કંપનીના ગુણવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાંચ વખત ચોરીઓ થઈ ગયા છતાં અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. આથી વેપારમાં નુકસાન થઈ રહ્યું છે. અમે જાણીતી કુરિયર કંપનીઓનો માલ લઈ જઈએ છીએ. ચોરી થયા બાદ એ કંપનીઓ ઇન્સ્યોરન્સ કલેમ નથી કરી શકતી. કારણકે એના માટે એફઆઈઆર આવશ્યક છે. આથી કેટલીક કંપનીઓએ હવે પશ્ચિમ એક્સ્પ્રેસમાં માલ બુક કરાવવાનું બંધ કરી દીધું છે.
ગત 21 એપ્રિલ, 5 જુલાઈ, 10 અૉગસ્ટ, 31 અૉગસ્ટ અને 3 નવેમ્બરે ચોરીઓ થઈ ચૂકી છે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે બે વખત ચોરી થયા બાદ આ ગાર્ડ વૅનમાંથી પોલીસને શરાબની બૉટલો અને વધેલું ભોજન મળ્યું હતું.
આ બન્ને સ્ટેશનો વચ્ચે પાર્સલના ડબાનું પતરું કાપીને ચોરી કરવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer