અદાણી વીજ કંપનીએ ઝીંકેલા ભાવ વધારાની સરકાર તપાસ કરશે

ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારની ફરિયાદ  બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઊર્જાપ્રધાનને તપાસ કરવાનો આદેશ આપ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મુંબઈનાં પરાંઓમાં અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીએ કરેલા વીજદર વધારાના વિરોધમાં વધતી ફરિયાદો અને લોકોની નારાજગીને ધ્યાનમાં લઈ એ પ્રકરણે સમિતિ નીમીને તપાસ કરાવવામાં આવે એવી માગણી મુંબઈ ભાજપના અધ્યક્ષ અને વિધાનસભ્ય ઍડ્વોકેટ આશિષ શેલારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરી છે. એના પર તાત્કાલિક કાર્યવાહી કરી એ પ્રકરણે તપાસ કરવાનો આદેશ મુખ્ય પ્રધાને રાજ્યના ઊર્જા પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેને આપ્યો છે.
મુંબઈનાં પરાંઓમાં વીજળીનું વિતરણ કરતી અદાણી કંપનીએ અચાનક વીજળીનાં બિલમાં 50થી 100 ટકા વધારો ઝીંકી દીધો છે એવી ફરિયાદ અસંખ્ય લોકોએ કરી છે. અદાણી કંપનીએ પ્રત્યક્ષ રીતે મીટરનું રીડિંગ ચેક ન કરતાં જ લાઇટનાં બિલ પધરાવી દીધાં હોવાથી લોકો રોષે ભરાયા છે.
વીજળીના ભાવવધારાના પ્રકરણે સમિતિ નીમીને તેમના દ્વારા તપાસ કરાવવામાં આવે એવી માગણી આશિષ શેલારે પત્ર લખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કરતાં ફડણવીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
આશિષ શેલારે પત્રમાં શું માગણી કરી?
  • અદાણી કંપની તરફથી છેલ્લા ત્રણ મહિનામાં અપાયેલાં વીજબિલનું અૉડિટ કરાવવું. વીજબિલ મીટર રીડિંગ કરીને અપાયાં છે એના પુરાવા કંપનીએ રજૂ કરવા.
  • મીટર રીડિંગ ન કરતાં ટકાવારી પદ્ધતિથી કેટલા વીજબિલ વિતરિત કરાયાં એના આંકડા આપવા.
  • જે ગ્રાહકને વધારાની રકમનાં બિલ આપવામાં આવ્યાં છે એવા ગ્રાહકોને એ બાબતે માહિતી આપીને વધારાની જે રકમ લીધી છે એ વ્યાજ સહિત પાછી આપવી.
  • ભવિષ્યમાં આવો વધારો ન ઝીંકાય એ માટે રાજ્ય તોલમાપ વિભાગને વીજ મીટર તેમ જ બિલનાં અૉડિટ કરવાના અધિકાર અને નિર્દેશ આપવા.
  • રાજ્ય સરકારે એની નોંધ લઈને મહારાષ્ટ્ર વિદ્યુત નિયામક પંચને આ સંદર્ભે કાયદેસર કાર્યવાહી કરવાનું જણાવવું.
  • મુંબઈગરાઓની નારાજગી તથા તેમના તીવ્ર રોષને ધ્યાનમાં લઈ એ પ્રકરણે પારદર્શકતા રહે એ માટે રાજ્યના ઊર્જા વિભાગના અધિકારી, તજજ્ઞ, ગ્રાહક સંઘટના વગેરેથી સમિતિ નીમી અચાનક થયેલા વીજવધારાની તપાસ કરાવવી અને એ સમિતિનો અહેવાલ ત્રણ મહિનામાં લોકો સમક્ષ રજૂ કરવો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer