સિદ્ધુએ ફેરવી તોળ્યું, `રાહુલના કહેવાથી નહીં, ઇમરાનના નિમંત્રણથી પાક ગયો''

વિવાદમાં લીધો યુ-ટર્ન : પંજાબ સરકારના સાથી મંત્રીએ કહ્યું, નૈતિકતાના આધારે પદ છોડે સિદ્ધુ
 
નવી દિલ્હી, તા.1 : પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા પાકિસ્તાન જવા બાબતે પોતાને પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હોવાનું કહ્યાના 24 કલાકની અંદર જ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પલટી ગયા છે. પોતાના નિવેદનથી યુ-ટર્ન લેતાં સિદ્ધુએ કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને પાકિસ્તાન જવાનું કદી કહ્યું ન હતું. દરમ્યાન, પાકિસ્તાન જવા બદલ સિદ્ધુ સામે નારાજગી વધી રહી છે. પંજાબ સરકારમાં તેમના સાથી મંત્રીએ તેમનું રાજીનામું માગ્યું છે.
રાહુલ ગાંધીની અનુમતિ મામલે વિવાદમાં ફસાયેલા સિદ્ધુએ આજે પોતાના નવા ટવીટમાં જણાવ્યું હતું કે વાતને તોડતાં-મરોડતાં પહેલાં તથ્યો તપાસી લો.. રાહુલ ગાંધીજીએ મને કદી પણ પાકિસ્તાન જવાનું કહ્યું ન હતું. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વ્યક્તિગત આમંત્રણ પર હું ત્યાં ગયો હતો.
ગઈકાલે બેંગ્લોરમાં સિદ્ધુએ એમ કહ્યું હતું કે મારા કપ્તાન રાહુલ ગાંધી છે અને તેમણે જ મને દરેક જગ્યાએ મોકલ્યો છે. તેમના આ નિવેદનથી વિવાદ જાગ્યો હતો.
સિદ્ધુ દ્વારા જાહેરમાં સીએમ અમરીન્દરસિંહની નારાજગી છતાં પાડોશી દેશ જવા સામે હવે રાજ્ય કેબિનેટમાં તેમની સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.
પંજાબ સરકારમાં મંત્રી ત્રિપત બાજવાએ કહ્યું કે જો સિધ્ધુ સીએમને પોતાના નેતા માનતા નથી તો તેમને પંજાબ સરકારના મંત્રીપદે રહેવાનો હક નથી. તેમણે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer